[પાછળ] 
સુરેશ દલાલના પ્રશ્નો અને
હરીન્દ્ર દવેના ઉત્તર

(આકાશવાણી, મુંબઈનું એક અધુરી મુલાકાતનું પ્રસારણ)

આકાશવાણી, મુંબઈ રજૂ કરે છે
હરીન્દ્ર દવેની સુરેશ દલાલે લીધેલી મુલાકાત
(જે અધુરી રહી ગઈ હતી)

મુલાકાત એટલે વ્યવસ્થિત પ્રારૂપમાં થતી વાતચીત, જેમાં એક વ્યક્તિ સવાલ પૂછે અને બીજી વ્યક્તિ એનો જવાબ આપે. પણ મુલાકાતનું મહત્વ ત્યારે વધી જાય છે, જ્યારે આપણને જાણ થાય કે મુલાકાત આપનાર અને મુલાકાત લેનાર વ્યક્તિઓ કોણ છે અને એક-બીજા સાથે કઈ રીતે સંકળાયેલી છે?

સુરેશ દલાલ - આ નામ સાહિત્ય ક્ષેત્રે અજાણ્યું નથી. આકાશવાણી, મુંબઈના ગુજરાતી વિભાગે ઈ.સ. ૧૯૯૫ના માર્ચ મહિનાની શરૂઆતમાં એક વ્યક્તિની મુલાકાત લેવા સુરેશ દલાલને આમંત્રિત કર્યા. સુરેશ દલાલે ખુશી-ખુશી એ આમંત્રણનો સ્વીકાર કર્યો, કારણ કે જે વ્યક્તિનો ઈન્ટરવ્યૂ લેવાનો હતો, એ વ્યક્તિ સુરેશ દલાલના મિત્ર હતા. સુરેશ દલાલે કોનો ઈન્ટરવ્યૂ લીધો એ જણાવતા પહેલા એ વ્યક્તિ વિષે થોડું જણાવી દઈએ.

૧૯મી સપ્ટેમ્બર, ૧૯૩૦ ને શુક્રવારે કચ્છના ખાંભરા ગામમાં તેમનો જન્મ. ગુજરાતી સાહિત્યમાં અનુગાંધી અને અદ્યતન યુગના સંધિકાળે પ્રગટ થઈ સાહિત્યાકાશે છવાઈ ગયેલા સાહિત્યકાર. સાહિત્યની જેટલી શાખાઓ છે – પછી એ કવિતા હોય, ગીત હોય, ગઝલ હોય, લેખ હોય, નિબંધ હોય, આસ્વાદ હોય, અનુવાદ હોય, નવલિકા હોય, લઘુનવલ હોય, નવલકથા હોય કે પછી સંપાદન હોય, એ બધામાં એમણે લેખન કાર્ય કર્યું છે.

આટઆટલું કાર્ય કર્યા છતાં, દંભનો છાંટો ન મળે. બહુ જ પ્રેમાળ, ઓછાબોલી, શરમાળ, પોતાના કામથી જ કામ રાખવામાં માનનારી, કોઈના કામમાં ચંચુપાત ન કરનારી અને બધાને મદદરૂપ થનારી વ્યક્તિ. સુરેશ દલાલના મિત્ર. અને સુરેશ દલાલે આકાશવાણી, મુંબઈના સ્ટુડિયોમાં એમનો ઈન્ટરવ્યૂ લીધો. એ વ્યક્તિનું નામ છે ‘દરવેશ’ ઉર્ફ હરીન્દ્ર દવે.

હરીન્દ્ર દવે આકાશવાણી, મુંબઈના સ્ટૂડિયોમાં આવ્યા તો ખરા પણ ઈન્ટરવ્યૂ દરમિયાન એમને અસ્વસ્થતા જણાઈ અને ઈન્ટરવ્યૂ અધવચ્ચેથી અટકાવવો પડ્યો- ફરી કોઈક દિવસે continue કરીશું એમ જણાવી. પણ, એ કોઈક દિવસ ક્યારેય ન આવ્યો. એ જ મહિનાની ૨૯મી તારીખે એટલે કે ૨૯ માર્ચ, ૧૯૯૫ ને બુધવારે હરીન્દ્ર દવેનું અવસાન થયું.

તો પ્રસ્તુત છે, આકાશવાણી, મુંબઈના અલભ્ય ખજાનામાંથી તા. ૪થી માર્ચ, ૧૯૯૫ ને શનિવારે પ્રસારિત થયેલી હરીન્દ્ર દવે સાથેની (અધુરી) મુલાકાત.

મુલાકાત લેનારઃ સુરેશ દલાલ
નિર્માણ સહાયઃ અલ્પના બુચ
રજૂઆતઃ દક્ષા દવે
પ્રસ્તુતિઃ આકાશવાણી, મુંબઈ.

ક્લિક કરો ને સાંભળો / ડાઉનલોડ કરો
આ પ્રસારણનું રેકોર્ડિંગ

(આ ઓડિયો રેકોર્ડિંગની લંબાઈ ૧ કલાક ૧૮ મિનિટ ૧૨ સેકન્ડ છે
અને mp3 ફાઈલની સાઈઝ ૩૫.૭ એમ.બી. છે.)

 [પાછળ]     [ટોચ]