ગાંધીડો મારો સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો
ડગલે ડગલે હાલ્યા કરે ઈ
ઊંચાણમાં ન ઊભનારો
એ ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે
ઢાળમાં નવ ધ્રોડનારો મોભીડો મારો
ઢાળમાં નવ ધ્રોડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો
ભાંગ્યા હોય એનો ભેરુ થનારો
મેલાંઘેલાંને માનનારો
એ ઉપર ઊજળાં ને મનનાં મેલા એવાં
ધોળાને નહિ ધીરનારો મોભીડો મારો
ધોળાને નહિ ધીરનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો
એના કાંતેલામાં ફોદો ન ઊમટે
તાર સદા એકતારો
એ દેહે દુબળિયો ને ગેબી ગામડિયો
મુત્સદીને મૂંઝવનારો મોભીડો મારો
મુત્સદીને મૂંઝવનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો
પગલાં માંડશે એવે મારગડે
આડો ન કોઈ આવનારો
એ ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઈ તો
બોલીને નહિ બગાડનારો મોભીડો મારો
બોલીને નહિ બગાડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો
નાનાં બાળક જેવો હૈયે લેરીલો
એરુમાં આથડનારો
એ કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઈ
કાળને નોતરનારો મોભીડો મારો
કાળને નોતરનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો
ઝીણી છાબડીએ ઝીણી આંખડીએ
ઝીણી નજરુંથી જોનારો
એ પોતે ચણેલામાં પોલ ભાળે તો તો
પાયામાંથી જ પાડનારો મોભીડો મારો
પાયામાંથી જ પાડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો
આવવું હોય તો કાચે તાંતણે
બંધાઈને આવનારો
એ ના'વવું હોય ને નાડે જો બાંધશો તો
નાડાં તોડાવી નાસનારો મોભીડો મારો
નાડાં તોડાવી નાસનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો
રૂડો રૂપાળો થાળ ભરીને
પીરસે પીરસનારો
એ અજીરણ થાય એવો આહાર કરે નૈ
જરૂર એટલું જ જમનારો મોભીડો મારો
જરૂર એટલું જ જમનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો
આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં
એક ઘડી ન ઊભનારો
એ અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં
વણ તેડાવ્યે જાનારો મોભીડો મારો
વણ તેડાવ્યે જાનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો
સૌને માથે દુખડા પડે છે
દુખડાંને ડરાવનારો
એ દુખને માથે પડ્યો દુખ દબવીને એ તો
સોડ તાણીને સૂનારો મોભીડો મારો
સોડ તાણીને સૂનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો
કાળ જેવાને મહાકાળ લાગે છે
આભને બાથ ભીડનારો
એ સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો
ડુંગરાને ડોલાવનારો મોભીડો મારો
ડુંગરાને ડોલાવનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો
ઓળખજે બેનડી એ જ એંધાણીએ
એ મારા ખોળાનો ખૂંદનારો
એ મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા
ઘડપણને પાળનારો ગાંધીડો મારો
ઘડપણને પાળનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો
સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો
રચના અને સ્વરઃ દુલા ભાયા ‘કાગ’
ક્લીક કરો અને સાંભળો
બે અસલી ગ્રામોફોન રેકોર્ડઃ
(ભાગ-૧)
(ભાગ-૨)
[સુરત જિલ્લાના હરિપુરા ખાતે કોન્ગ્રેસના તા. ૧૫-૨-૧૯૩૮ના રોજ મળેલા ખુલ્લા ઐતિહાસિક અધિવેશનમાં ગાંધીજીની હાજરીમાં ગાંધીજીના માનમાં કાગબાપુ દ્વારા બુલંદ કંઠે ગવાયેલું આ સ્વરચિત વધામણી ગીત પછી તો ઘણાં સ્થળે ગવાયું અને તેની ગ્રામોફોન રેકોર્ડ પણ લોકપ્રિય બની હતી. આ લોકકવિનું રચેલું અને ગાયેલું લોકગીત છે એટલે તેનાં બધા પાઠ વચ્ચે થોડો થોડો ફરક છે. તે વખતે જૂલાઈ ૧૯૩૭માં કોન્ગ્રેસના વિધિસર સભ્ય બન્યા પછી ગાંધીજી પ્રથમ વખત નિમંત્રિત મહેમાન તરીકે નહિ પણ પક્ષના નેતા તરીકે કોન્ગ્રેસના અધિવેશનમાં ભાગ લઈ રહ્યા હતા એટલે તેમને આ ગીત વડે માન આપવામાં આવ્યું હતું.] |
|