[પાછળ]

 પૂછીને થાય નહીં પ્રેમ

દરિયાના   મોજાં   કંઈ   રેતીને   પૂછે
તને  ભીંજાવું ગમશે કે કેમ
એમ પૂછીને થાય નહીં પ્રેમ

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી
એકનો પર્યાય થાય બીજું
આંખોનો    આવકારો   વાંચી   લેવાનો
ભલે હોઠોથી બોલે કે ખીજું ?
ચાહે  તે  નામ  તેને  દઈ  દો  તમે  રે
ભાઈ  અંતે  તો  હેમનું હેમ

એમ પૂછીને થાય નહીં પ્રેમ

ડગલે ને પગલે  જો પૂછ્યા કરો તો  પછી
કાયમના રહેશો  પ્રવાસી
મન મૂકી મ્હોરશો  તો મળશે મુકામ એનું
સરનામું   સામી અગાશી
મનગમતો    મોગરો    મળશે  વટાવશો
વાંધાની  વાડ   જેમ  જેમ

એમ પૂછીને થાય નહીં પ્રેમ

ગીતઃ તુષાર શુક્લ
સ્વરઃ શ્યામલ મુનશી
સંગીતઃ શ્યામલ-સૌમિલ

ક્લીક કરો અને સાંભળોઃ Em_Puchhine_Thay_Nahi.mp3

[પાછળ]     [ટોચ]