[પાછળ]

 ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં
 
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યાં રે લોલ
કમ્મખે દોથો  ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછા પડ્યાં રે લોલ

માંડવે મ્હેક  મ્હેક  જૂઈની  વેલ  કે જૂઈના  રેલાં   દડે   રે લોલ
સૈ  મારે  નેવાંનું  હારબંધ  ટોળું કે સામટું  મોભે   ચડે   રે લોલ

ત્રાજવે ત્રંફેલા  મોરની   ભેળી  હું  છાનકી  વાતું   કરું   રે લોલ
લોલ, મારે મોભારે  કાગડો  બોલે  ને અમથી  લાજી મરું રે લોલ

મેંદીએ મેલું  હું  મનની  ભાત્ય  ને  હાથમાં  દાઝ્યું  પડે રે લોલ
આડોશ પાડોશમાં  ઘમ્મકે  વેલ્યું  ને  લાપસી  ચૂલે  ચડે રે લોલ

સૈ, મારે  ઊંબરાની  મરજાદ  કે  ઓરડા   ઠેસે   ચડ્યાં  રે લોલ
લોલ, મારે પથ્થરને  પાણિયારે કે  જીવતાં  મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ  કે  પાંદડાં  તૂટ્યાં  કરે  રે લોલ
ઓરડે  વાની મારી કોયલ  આવે  ને  કાંઈ  ઊડ્યાં  કરે રે લોલ

સ્વરઃ વિભા દેસાઈ અને સાથીદારો ગીતઃ રમેશ પારેખ સંગીત: ક્ષેમુ દિવેટીયા ચિત્રપટઃ કાશીનો દીકરો (૧૯૭૮) ક્લીક કરો અને સાંભળોઃ 1978_Kashi_No_Dikro-Gorma_Ne_Panche
-Vibha_Desai-Ramesh_Parekh-Kshemu_Divetiya.mp3
(નોંધઃ અત્રે ગીતના મૂળ શબ્દો અપાયા છે. ચિત્રપટમાં ગવાયેલા ગીતમાં થોડી પંક્તિ અલગ છે.)

[પાછળ]     [ટોચ]