
સંદીપ ભાટિયા
જેવી તેવી વાત નથી
માણસ જેવો માણસ ક્ષણમાં
ધુમાડો થઈ જાય
એ કંઈ જેવી તેવી વાત નથી
ઘરઘર રમતાં પળમાં કોઈ
પૂર્વજ થઈ પૂજાય
એ કંઈ જેવી તેવી વાત નથી
વીતી પળના પડછાયાને
પકડી રાખે ફ્રેમ
કાચ નદીને પેલે કાંઠે
કંકુ, કંકણ, પ્રેમ
તારીખિયાને કોઈ પાને
સૂરજ અટકી જાય
એ કંઈ જેવી તેવી વાત નથી
આંગળીઓની વચ્ચે એના
ગુંજ્યા કરશે પડઘા
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી
સાવ થાય છે અળગા
ઘડી પહેલાં જે ઘર કહેવાતું
દીવાલો કહેવાય
એ કંઈ જેવી તેવી વાત નથી
સૂરજનો અજવાશ ગોખમાં
દીવો થઈને થરકે
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં
રેત હવે નહિ સરકે
પાંપણ ઉપર દર્પણ જેમ જ
ઘટનાઓ તરડાય
એ કંઈ જેવી તેવી વાત નથી
રચનાઃ સંદીપ ભાટિયા
સ્વરઃ આશિત દેસાઈ
ક્લીક કરો અને સાંભળોઃ
Jevi_Tevi_Vaat_Nathi -Sandeep_Bhatia-Ashit_Desai.mp3
|