[પાછળ]

 તમારા અહીં આજ પગલાં થવાના  
 
તમારા અહીં  આજ  પગલાં થવાના
ચમનમાં બધાંને ખબર  થઈ ગઈ છે
ઝુકાવી છે ગરદન  બધી  ડાળીઓએ
ફૂલોની ય નીચી  નજર થઈ ગઈ છે

શરમનો  કરી  ડોળ સઘળું  જુએ છે
કળી   પાંદડીઓના  પડદે    રહીને
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારા નયનની અસર થઈ ગઈ છે

બધી   રાત   લોહીનું   પાણી  કરીને
બિછાવી છે  મોતીની  સેજો   ઉષાએ
પધારો  કે  આજે  ચમનની  યુવાની
બધાં  સાધનોથી  સભર થઈ ગઈ છે

હરિફો  ય   મેદાન  છોડી  ગયા  છે
નિહાળીને   કીકી  તમારાં  નયનની
મહેકંત  કોમળ   ગુલાબોની   કાયા
ભ્રમરડંખથી  બેફિકર  થઈ  ગઈ  છે

પરિમલની  સાથે  ગળે  હાથ  નાખી
કરે  છે  અનિલ   છેડતી   કૂંપળોની
ગજબની  ઘડી છે  કે  પ્રત્યેક  વસ્તુ
પુરાણા  મલાજાથી પર થઈ ગઈ છે

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન
કલાકારનું   ચિત્ર     સંપૂર્ણ     જાણે
તમે જો ન હો  તો બધાં  કહી  ઉઠે  કે
વિધાતાથી  કોઈ  કસર  થઈ  ગઈ છે

‘ગની’  કલ્પનાનું  જગત પણ છે કેવું
કે આવી રહી  છે  મને  મારી  ઈર્ષ્યા
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને
ઘણી  જન્નતોમાં  સફર  થઈ ગઈ છે

સ્વરઃ હેમન્ત કુમાર(૧૯૭૨)
ગીતઃ ‘ગની’ દહીંવાલા
સંગીતઃ કિરીટ રાવલ

ક્લીક કરો અને સાંભળોઃ 1972_Tamara_Ahin_Aaj_Pagla_Thavana-
Hemant_Kumar-Gani_Dahiwala-Kirit_Rawal.mp3

[પાછળ]     [ટોચ]