| [પાછળ] |
|
દાદીની પ્રસાદી-૨
જેમ આજે આપણી માતૃભાષા ગુજરાતી છે તેમ એક સમયે આપણા પૂર્વજોની માતૃભાષા સંસ્કૃત હતી. એ રીતે જોતાં સંસ્કૃત ભાષા આપણી દાદીભાષા કહેવાય. આ દાદીભાષા પાસે તો જ્ઞાનનો ક્યારે ખૂટે નહિ તેટલો વિશાળ ખજાનો છે. આ અખૂટ ભંડારમાંથી માત્ર ચપટીક પ્રસાદી અહીં રજૂ કરી છે. આ પ્રસાદીને સુપાચ્ય બનાવવા પ્રત્યેક કંડિકાની સાથે સાથે તેના ગુજરાતીમાં ભાવાર્થનું અનુપાન પણ રજૂ કરાયું છે. છેલ્લો ફેરફાર: તા. ૪ એપ્રિલ, ૨૦૧૦
[વનમાં સિંહનો કોઈ વિધિપૂર્વક રાજ્યાભિષેક કરતું નથી. સિંહ સ્વપરાક્રમ વડે જ પોતાને મૃગેન્દ્ર તરીકે પૂરવાર કરે છે.] [અમસ્તા અમસ્તા કોઈ કોઈના મિત્ર કે શત્રુ થઈ જતાં નથી. જ્યારે કોઈ કારણ ઉપસ્થિત થાય ત્યારે જ મિત્ર કે શત્રુનો ઉદ્ભવ થાય છે.] [કાળને માટે કોઈ પ્રિય કે અપ્રિય નથી. કાળ બધાને ખાઈ જાય છે. બધા લોકો કાળના બંધનમાં બંધાયેલા છે.] [વિદ્યા સમાન કોઈ બંધુ નથી. ચિંતા જેવો કોઈ દુશ્મન નથી. સંતાનપ્રેમ સમો કોઈ સ્નેહ નથી. દયાથી ઊંચો કોઈ ધર્મ નથી.] [બધા પ્રકારના ધનમાં વિદ્યારૂપી ધન સૌથી ચડે કેમકે ચોર તેની ચોરી કરી શકતા નથી, રાજા તે છીનવી શકતો નથી, ભાઈઓ તેમાંથી પોતાનો ભાઈભાગ પડાવી શકતા નથી, તે બોજરૂપ બનતું નથી, તે વાપરવાથી તે વધે છે અને તેનો કદી નાશ થતો નથી.] [આપણી ઇચ્છાને આપણે ગમે તેટલી વખત સંતોષીએ પણ તેથી ઇચ્છા શાંત પડી જતી થતી નથી. યજ્ઞની અંદર આહુતિ હોમવાથી અગ્નિનુ જોર વધે છે, ઘટતું નથી.] [ભગવદ્ ગીતામાં ભગવાને આપેલો બોધઃ આ આત્મા કોઈ પણ કાળમાં ન જન્મ લે છે ન મરણ પામે છે. ન તો તેનો ઉદ્ભવ કે ફરી ઉદ્ભવ થાય છે. તે નિત્ય છે શાશ્વત છે પુરાતન છે. દેહ હણાઈ જાય છે. આત્મા હણાતો નથી. ] [ભાગવત પુરાણમાં રાજા રન્તિદેવ આ શ્લોક કહે છે અને મહાભારતના દ્રોણપર્વમાં પણ તેનો ઉલ્લેખ છે. નથી ઇચ્છા મને રાજ્યની, નથી સ્વર્ગની કે નથી નવો જન્મ ધારણ કરવાની. મારી ઇચ્છા આ જગતના પ્રત્યેક દુઃખી-પીડિત પ્રાણીના દુખદર્દ દૂર કરવાની છે.] [ભરવાડને ઢોરનું રક્ષણ કરવું હોય તો તે હાથમાં લાકડી લઈ ઢોરને બચાવતા હોય છે. ભગવાન તમને ઢોરની કક્ષામાં મૂકતો નથી. એટલે જ્યારે તેને તમારું રક્ષણ કરવું હોય ત્યારે તે હાથમાં લાકડી લઈ બચાવવા આવતો નથી. એ તમને સદ્બુદ્ધિ આપે છે.] [ધીરજ ધર્યા વિના લક્ષ્મી ન મળે. શૂરવીરતા દાખવ્યા વિના જીત ન મળે. જ્ઞાન વિના મોક્ષ ન મળે. દાન કર્યા વિના જશ ન મળે.] [સોનાના હરણની વાત ન તો કદી કોઈએ સાંભળી હતી ન તો સોનાનું હરણ કોઈએ સગી આંખે જોયું હતું છતાં ભગવાન રામ જેવા પણ એ કાલ્પનિક હરણ પાછળ દોડ્યા. ખરેખર જ્યારે દુઃખના દહાડા આવવાના હોય ત્યારે આપણી બુદ્ધિ બહેર મારી જાય છે.] [અશક્ય વસ્તુ જે કદી થઈ નથી અને થશે નહિ.] [કાર્લ માર્કસે સામ્યવાદના સિદ્ધાંતો ઘડતી વખતે સામ્યવાદમાં છેવટના તબક્કે રાજ્યની તમામ સત્તા વિલીન થઈ જશે એવી જે કલ્પના ઘડી તેના પ્રેરણાદાતા હતા રશિયાના પ્રિન્સ ક્રોપોટકીનના રાજ્યવિહીન સમાજરચનાના મૂળભૂત વિચારો. પણ પ્રિન્સ ક્રોપોટકીન કહે તે પહેલા સંસ્કૃત સાહિત્યમાં અનેક સદીઓ અગાઉ એ જ વાત વર્ણવાઈ ચૂકી છે. મહાભારતના શાંતિ પર્વના આ શ્લોકમાં બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને ઉપદેશ આપતાં કહે છે કે ન કોઈ રાજ્ય હોવું જોઈએ કે ન કોઈ રાજા. ન કોઈ દંડ કે સજા કરનાર હોવું જોઈએ કે ન કોઈ દંડ કે સજા ભોગવનાર. ધર્મ (એટલે કે પોતાના કર્તવ્યના પાલન) વડે સર્વ પ્રજાએ એક બીજાનું રક્ષણ કરવું ઘટે છે.] [ભગવદ્ ગીતામાં ભગવાનનો ઉપદેશઃ કલ્યાણકારી કામ કરનારની કોઈ દિવસ અવદશા થતી નથી.] [જગતમાં એવો કોઈ સમાજ નિયમ હજુ સુધી ઘડાયો નથી કે જેનાથી બધાને એક સરખો ફાયદો થાય.] [ત્રણે જગતમાં કોઈ કોઈનું વહાલું નથી કે નથી કોઈ કોઈનું દવલું. સમય અને સંયોગો અનુસાર સર્વે એક બીજાને ગમતા કે અણગમતા થાય છે.] [આ સંસારમાં જ્ઞાન જેટલી પવિત્ર ચીજ બીજી કોઈ નથી. કર્મયોગ વડે સંસિદ્ધિ મેળવ્યા પછી સમયના વીતવા સાથે તે આત્મામાં સ્વયં પ્રગટ થાય છે.] [ફળ આવવાથી વૃક્ષો નીચા નમે છે. ગુણો પ્રાપ્ત થતાં માણસો બીજાને નમન કરતાં થાય છે. માત્ર સૂકા લાકડાં અને મૂર્ખ માણસો જ બીજાને નમન કરતાં નથી.] [રાજાનુ હિત કરનારાએ સામાન્ય પ્રજાનો રોષ વહેરી લેવો પડે છે. સામાન્ય પ્રજાનું હિત કરવા જનારને રાજા રજા આપી દે છે. આમ બન્ને પ્રકારના વિરોધનો સામનો કરીને રાજા તથા પ્રજા બન્નેનું હિત કરી શકે તેવા અમલદાર મળવા દુર્લભ છે.] [માનવનું આભૂષણ રૂપ છે. રૂપનું આભૂષણ ગુણ છે. ગુણનું આભૂષણ જ્ઞાન છે અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે.] [સત્યવક્તા યુધિષ્ઠિર દ્વારા બોલાયેલું પહેલું અને છેલ્લું અર્ધસત્ય. કોણ મરાયું એવા દ્રોણાચાર્યના પ્રશ્નના જવાબમાં તેઓ કહે છેઃ અશ્વસ્થામા મરાયો. કદાચ માનવી કદાચ હાથી. આના પરથી કોઈ પણ અસ્પષ્ટ વાત નરો વા કુંજરો વા તરીકે ઓળખાય છે.] [એવો કોઈ અક્ષર નથી કે જેમાં મંત્રશક્તિ ન હોય, વનસ્પતિનું એવું કોઈ મૂળીયું નથી કે જેમાં ઔષધશક્તિ ન હોય, એવો કોઈ માણસ નથી કે જે કોઈ કામનો ન હોય. પણ આ બધાનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવા માણસ મળવા દુર્લભ છે.] [દુઃખી-પીડિત પતિ માટે પત્નીથી વધુ સારું ઔષધ બીજું કોઈ નથી !] [જ્ઞાન જેવા ચક્ષુ નથી, સત્ય સમાન કોઈ તપ નથી. મોહમાયા જેવું કોઈ દુઃખ નથી. ત્યાગ સમાન કોઈ સુખ નથી.] [કઠોપનિષદનો પાંચમો શ્લોકઃ આત્મસિદ્ધિ એટલે કે આત્મજ્ઞાન કેવી રીતે મળે ? પ્રવચનો સાંભળવાથી ? બુદ્ધિના પેચ લડાવવાથી ? અનેક વિદ્વાનો, સાધુ. સંતો પાસેથી બોધ મેળવવાથી ? ના. કોઈ કોઈને આત્મજ્ઞાન આપી શકતું નથી. આત્મા જ અરજી કરનારો છે અને આત્મા જ અરજી સ્વીકારનારો છે. જેનો આત્મા પોતાની અરજ સ્વીકારે ત્યાં આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે.] [નિષ્ણાત માણસો નિંદા કરે કે વખાણ કરે, ધન-સંપત્તિ ટકે કે ચાલી જાય, મરણ હમણાં આવે કે પછી પણ ધૈર્યવાન માણસો ન્યાયના પંથથી વિચલિત થતા નથી.] [નિર્ધન માણસને સુખ ક્યાંથી હોય.] [પંચતંત્રનો આ બોધ છેઃ બિનઝેરી સાપે પણ સ્વરક્ષણ માટે મોટી ફેણ ફેલાવી રાખવી જોઈએ. સાપ ઝેરી હોય કે બિનઝેરી પણ ફેણનો ડર લોકોને લાગતો જ હોય છે.] [આપણી ઉપનિષદોનો મત એવો છે કે ઈશ્વર શું છે, કેવો છે એ જાણવું લગભગ અશક્ય છે કેમકે માનવબુદ્ધિ, સમજણશક્તિ ત્યાં સુધી પહોંચી શકતી નથી. તેના બદલે ઈશ્વર શું નથી એ પ્રમાણમાં સરળતાથી કહી શકાય એટલે ‘આ નહિ, આ નહિ’ એવા નકારાત્મક વચનો વડે તેના સુધી પહોંચવાની કોશિશ કરવી જોઈએ.] [શ્રીમદ્ ભગવદ્ ગીતોનો ખૂબ લોકપ્રિય શ્લોકઃ આત્માને શસ્ત્ર કાપી શકતા નથી. અગ્નિ બાળી શકતો નથી. જળ ઓગાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી.] [પરોપકાર માટે વૃક્ષ ફળ આપે છે. પરોપકાર માટે નદી પાણી વહાવે છે. પરોપકાર માટે ગાય દૂધ આપે છે. આપણું શરીર પરોપકાર માટે જ બનેલું છે.] [અન્યને ઉપદેશ આપતી વખતે નિયમપાલનની વાતો બધા કરે છે પણ એ નિયમપાલનની વાત જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે ત્યાં હવામાં ઊડી જાય છે.] [બીજાને ઉપદેશ દેવા માટે પોતાના ડહાપણનો ભંડાર ખોલવો એ બહુ સહેલી વાત છે. પરંતુ તે ઉપદેશ પર જાતે આચરણ કરી બતાવવું એ તો કોઈ મહાત્મા જ કરી શકે.] [હિતોપદેશનો શ્લોક છે. પારકો માણસ આપણું હિત કરે તો તેને સગા ભાઈ જેવો ગણવો. સગો ભાઈ આપણું અહિત કરે તો પારકા જેવો ગણવો. આપણા દેહમાં રહેતો રોગ આપણો હોવા છતાં અહિત કરે છે. દૂર જંગલમાં રહેતું ઔષધ આપણું હિત કરે છે.] [દરેક માણસ પોતાની રીતે વિચારે છે. દરેક કુંડમાં અલગ અલગ પ્રકારનું પાણી હોય છે. દરેક જાતના લોકના રિવાજ જુદા હોય છે. દરેક માનવીના મોઢામાંથી અવનવી વાણી સાંભળવા મળે છે.] [નદી પોતાનું પાણી પીતી નથી. વૃક્ષ પોતાના ફળ ખાતા નથી. ખેતરમાં થયેલા પાકના ઢગલા અનાજ ખાઈ જતા નથી. સંત માણસોની સિદ્ધિ-સંપત્તિ પરોપકાર માટે જ હોય છે.] [અગાઉ જ્યારે કવિ કેટલા તેની ગણતરી થતી ત્યારે સૌ પહેલું કાલિદાસનું નામ સૌથી નાની આગળી પર લેવાતું હતું પણ પછી બીજી આંગળી આગળ ગણતરી અટકી જતી હતી. હજુ સુધી કોઈ કવિ કાલિદાસની કક્ષાનો ન જણાયો નથી તેથી એ આંગળીનું ‘અનામિકા’ નામ સાર્થક બની ગયું છે.] [કાલિદાસ કૃત માલવિકાગ્નિમિત્રમ્નો આ શ્લોક છે. જે જુનું છે તે બધું સારું જ છે એવું માની ન લેવાય. કવિતા નવી હોય એટલે સારી જ હોય તેવું નથી. ડાહ્યા માણસો બરાબર ચકાસણી કર્યા પછી જ નિર્ણય પર આવે છે પણ મૂઢ માણસો બીજાની બુદ્ધિથી દોરવાય છે.] [ચોપડીમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું આપણું ધન જ્યારે ખરી જરૂર પડે ત્યારે કંઈ કામમાં ન આવે એટલે તે હોય કે ન હોય બન્ને સરખું જ છે.] [પૃથ્વી પર ત્રણ રત્ન છેઃ જળ, અન્ન અને સુભાષિત. પણ મૂઢ માણસો પથ્થરના ટૂકડાંને રત્નનું નામ આપે છે.] [પહેલા કોળીયે જ માખી આવી !] [નાળિયેરનું ઝાડ પોતાને અગાઉ પીવા મળેલું થોડું પાણી યાદ રાખે છે અને તેને સ્વાદિષ્ટ બનાવી શિર પર ધારણ કરે છે. સજ્જન માણસો પોતા પર કોઈએ કરેલો ઉપકાર કદી ભૂલી જતાં નથી.] [જીવનમાં વિદ્યાર્થી અવસ્થામાં ભણ્યા નહિ. ગૃહસ્થાશ્રમના સમયમાં કમાયા નહિ, વાનપ્રસ્થાશ્રમના સમયે સમાજસેવા ન કરી તો ચોથા સંન્યસ્તાશ્રમમાં કઈ વસ્તુનો ત્યાગ કરશો ?] [આ કામ કરવામાં મુશ્કેલી આવશે એવા ડરથી તુચ્છ માણસો કામ શરૂ જ કરતા નથી. મધ્યમ કક્ષાના માણસો કામ તો શરૂ કરે છે પણ મુશ્કેલી આવે તો અધવચ્ચેથી છોડી દે છે. ઉત્તમ માણસો કામ શરૂ કરે છે અને જેટલી વાર મુશ્કેલી આવે તેટલી વાર તેનો મુકાબલો કરતા રહી તેને પૂરું કર્યા પછી જ છોડે છે.] [દરેક જીવને મીઠી વાણી વડે સંતોષ આપી શકાય છે માટે જીભ મીઠી રાખવી. મીઠા શબ્દો વાપરવામાં ગરીબાઈ શા માટે બતાવવી ?] [આ લોકશાહી આદર્શ આપણે ત્યાં સદીઓથી પ્રચલિત છે. જે કામ વધુમાં વધુ માણસોના હિતમાં હોય અને વધુમાં વધુ માણસોને સુખ આપી શકે તે કામ ઉત્તમ કાર્ય કહેવાય.] [ આ ધરતીમાં અનેક રત્નો પડ્યાં છે.] [જેની બુદ્ધિ તેનું બળ] [શંકરાચાર્યનો આ બોધ છે. ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ, હે મૂઢ માણસ, અંતિમકાળે તેના સિવાય અન્ય કોઈ તારું રક્ષણ નહિ કરી શકે.] [હે દારિદ્ર, તારો પરચો બહુ ભારી છે. તારા પ્રતાપે હું સિદ્ધ પુરુષ બની ગયો છું. હું આખા જગતને જોઈ શકું છું પણ આખા જગતમાં કોઈને હું દેખાતો નથી. આ કેવો ચમત્કાર છે ! (બધા મોઢુ ફેરવીને ચાલ્યા જાય છે !)] [ભોગ ભોગવાતા નથી, આપણે જ ભોગવાઈ જઈએ છીએ. તૃષ્ણા કદી વૃદ્ધ થતી નથી, આપણે જ વૃદ્ધ થઈ જઈએ છીએ.] [વનમાં ફરી ફરીને નવા તાજા પુષ્પ પર બેસતો ભ્રમર ગંધફલી (વનચંપો?)ને સુંઘતો પણ નથી. શું તે સુંદર નથી ? શું ભ્રમર પુષ્પની શોધમાં નથી ? ખરેખર, ઈશ્વરની ઇચ્છા જ બળવાન છે.] [કોઈ પણ કાર્યની પૂર્ણાહુતિ મીઠાશથી કરવી જોઈએ.] [મનુષ્ય મનના કારણે બંધનમાં પડે છે અને મન વડે બંધનમુક્ત બને છે. ભોગમાં આપણી આસક્તિ બંધન ઊભા કરે છે. એ આસક્તિને છોડવાથી મુક્તિ મળે છે.] [ભારતના સૌથી વધુ સફળ રાજનીતિજ્ઞ ચાણક્યની આ સોનેરી સલાહ ભારત કરતાં અન્ય દેશોના રાજનીતિજ્ઞ વધુ સારી રીતે પાળે છે ! ચાણક્ય કહે છે કે આપણે શું કરવાના છીએ, આપણી યોજના શું છે તે વિશે બોલ બોલ ન કરાય. જો કોઈ હરીફને આપણી યોજનાની ખબર પડી જાય તો તે થોડો આપણને સફળ થવા દે ?] [ઘણી વસ્તુ એવી હોય છે જેમાં આપણી જેવી ભાવના હોય તેવી સિદ્ધિ મળે. મંત્રનો જાપ કરવામાં, તીર્થમાં જઈ દર્શન કરવામાં, બ્રાહ્મણ પાસે ક્રિયાકર્મ કરાવવામાં, જોશી પાસે જોશ જોવડાવવામાં, ઔષધનું સેવન કરવામાં, ગુરુ પાસેથી જ્ઞાન મેળવવામાં આપણી ભાવના જેટલી વધુ સારી એટલો વધુ લાભ થાય. આપણને શ્રદ્ધા ન હોય તો કોઈ ફાયદો ન થાય.] [એક તો જાતનું વાંદરું, એમાં દારુ પીધો, પાછો એને વીંછી કરડ્યો અને તે ઉપરથી એને ભૂતના ભડકા પણ દેખાણા. પછી તેના તોફાનમાં બાકી શું રહે ?] [ઉત્તમ માણસોના સંસર્ગમાં આવવાથી કોની ઉન્નતિ થતી નથી. કમળના પુષ્પ પર રહેલું પાણીનું સાધારણ ટીપું પણ સાચા મોતીની જેમ દીપી ઊઠે છે.] [દુષ્ટ માણસને સૌજન્યપૂર્ણ વાણી વડે સમજાવવાનો કોઈ અર્થ નથી. વાંદરાના હાથમાં સુકોમળ પુષ્પનો ગુચ્છ મૂકીએ તો તેથી તેના વર્તનમાં કોઈ ફરક પડે ?] [વાલ્મિકી રામાયણનો પ્રથમ શ્લોક. કામમોહિત થયેલા ક્રોંચ પક્ષીની જોડીને ખંડિત કરનારા ઓ શિકારી શાશ્વત સમય સુધી તને અપયશ મળશે. એવું મનાય છે કે ક્રોંચવધ થતો જોઈ તે સમયે તપ કરી રહેલા વાલ્મિકી ઋષિમાં કવિત્વ જાગ્યું અને તેમાંથી રામાયણ મહાકાવ્ય રચાયું.] [જે માબાપ પોતાના સંતાનને ભણાવે નહિ તે તેના દુશ્મન છે. જેમ હંસની વચ્ચે બગલું ન શોભે તેમ આવું અભણ સંતાન સમાજમાં શોભતું નથી.] [મુખ પર પ્રસન્નતા લહેરાતી હોય, દ્રષ્ટિમાં વિમળતા હોય, પ્રિયપાત્ર વિશેની વાત સાંભળવી ગમતી હોય, મોઢેથી મધુર શબ્દ નીકળતા હોય, સૌ પર વહાલ વરસાવાઈ જતું હોય, બેધ્યાન થઈ જવાતું હોય, એ બધા પ્રેમમાં અનુરાગી બની ગયાના લક્ષણ છે.] [જ્યાં મૂર્ખાઓને માન-પાન મળતું નથી, અનાજ અને ખાદ્યપદાર્થ સારી રીતે સાચવીને રાખવામાં આવે છે અને પતિ-પત્ની કંકાસથી દૂર રહે છે ત્યાં સમૃદ્ધિ સામેથી ચાલીને આવે છે.] [મૂર્ખ માણસના પાંચ લક્ષણ છે. અભિમાન, અભદ્ર શબ્દોનો ઉપયોગ, ક્રોધ, હું જ સાચો છું એવો દ્રઢ આગ્રહ અને બીજા જે કંઈ કહે તેનો અનાદર કરવો.] [જે ઝાડને મૂળ જ ન હોય તેને ડાળી ક્યાંથી ફૂટે ?] [હરણ હરણાંની પાછળ દોડે છે, ગાય ગાયની સાથે જાય છે, ઘોડાને ઘોડા ગમે છે. મૂર્ખને મૂર્ખ તથા બુદ્ધિમાનને બુદ્ધિમાન પસંદ પડે છે. જેમની આદત સરખી હોય તેમની વચ્ચે મૈત્રી સર્જાય છે.] [મનુસ્મૃતિનું આ કથન છે જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્ત્રીઓનું માન-સન્માન જળવાતું હોય ત્યાં દેવતા રાજીના રેડ થઈ રહે છે પણ જ્યાં આમ ન થાય ત્યાં કરેલા બધાં ધાર્મિક ક્રિયાકાંડ નિષ્ફળ જાય છે.] [ચંદન ઉપાડી લઈ જતો ગધેડો માત્ર બોજ ઉપાડી લઈ જતો હોય છે, ચંદન નહિ કેમકે ચંદન શું છે તેની તેને ખબર જ હોતી નથી તેમ ગોખણપટ્ટી કરી સમજ્યા વિના શાસ્ત્ર ભણી ગયેલા લોકો ગધેડાની માફક માત્ર જ્ઞાનનો બોજ ઉપાડી ફર્યા કરે છે.] [જેવો દેશ તેવી ભાષા, જેવો રાજા તેવી પ્રજા. જેવી ભૂમિ તેવું પાણી અને જેવું બીજ તેવો અંકુર.] [જેમ ખેતરને સારી રીતે ખેડ્યા વિના બીજ વાવી દઈએ તો તે ઊગતું નથી તેમ આપણા નસીબમાં લખેલી ચીજ પણ મહેનત કર્યા વિના મળતી નથી.] [જેમ ભ્રમર પુષ્પોની પૂરતી સંભાળ રાખીને હળવેથી તેની પાસેથી મધ ખેંચે છે તેમ પ્રજા પાસેથી તેને ત્રાસ આપ્યા વિના કરવેરા વડે ધન એકઠું કરવું જોઈએ.] [જેમ મોરના માથે કલગી શોભે છે અને અને નાગના મસ્તક પર મણિ ઝગમગે છે તેમ વેદાંગશાસ્ત્રમાં ગણિત ટોચના સ્થાને બિરાજે છે.] [પ્રારબ્ધ અને પુરુષાર્થરૂપી બન્ને ચક્ર સાથે ચાલે તો જ સંસારનો રથ આગળ ચાલે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પંગુ બની જાય. એક પૈડાવાળો રથ દોડી ન શકે.] [જ્યારે જ્યારે ધર્મની જ્યોત ઝાંખી પડશે ત્યારે ધર્મના ઉદ્ધાર માટે હું મારું સર્જન કરીશ. સજ્જનોના રક્ષણ માટે અને ખોટા કાર્યો કરનારાના નાશ માટે તથા ધર્મને ફરી સ્થાપિત કરવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરીશ.] [જે માણસ દેશવિદેશનું પર્યટન કરે છે, જ્ઞાની-પંડિતો પાસે જઈ તેની વાત સાંભળે છે તેની બુદ્ધિ પાણી પર પડેલા તેલના ટીપાંની માફક વિસ્તાર પામે છે.] [ઈશાવાસ્ય ઉપનિષદનું બ્રહ્મજ્ઞાનઃ જે એવું વિચારી શકે કે આ જગતના સર્વ જીવમાં હુ છું અને મારામાં સર્વ જીવ સમાયેલા છે તે અભય પ્રાપ્ત કરે છે. જેમના માટે જગતના સર્વે જીવ પોતાના આત્મા જેવા છે એવા એકત્વદર્શીને મોહ કે શોક સ્પર્શી શકતા નથી.] [જે દેશમાં આપણું માન ન જળવાતું હોય, આપણા માટે કોઈને લાગણી ન હોય, કોઈ સગા-સંબંધી હોય અને ન તો કંઈ શીખવા-જાણવા મળતું હોય તે દેશને વહેલી તકે છોડી દેવો જોઈએ.] [જે માણસ પાસે પોતાની બુદ્ધિ ન હોય તેને શાસ્ત્રનું જ્ઞાન શું કામ આવે ? જે માણસ પાસે જોવા માટે આંખ ન હોય તેને આરીસો શું કામનો ?] [જે મુરતિયા પાસે ધન હોય તે આપમેળે સારા કુળનો, જ્ઞાની, સુશિક્ષિત અને ગુણોનો જાણકાર બની જાય છે. તે જ સારો વક્તા અને દર્શનલાયક ગણાય છે. બધા ગુણ સુવર્ણમાં આવી સમાઈ જાય છે.] [જે માણસ વાંચે છે, લખે છે, બારીકાઈથી નિરીક્ષણ કરે છે, જાણકારી મેળવવા પૂછ પૂછ કરે છે અને પંડિતો એટલે નિષ્ણાતો પાસેથી શીખે છે તેમની સમજણ શક્તિ સૂરજનું કિરણ પડતાં જેમ કમળ ખીલી ઊઠે તેમ વિસ્તૃત બને છે.] [જ્યાં સુધી ચંદ્ર અને સૂરજ રહે ત્યાં સુધી.] [નાસ્તિકતાવાદી ચાર્વાક ઋષિનું વિખ્યાત સૂત્રઃ જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. દેવું કરીને પણ ઘી પીઓ એટલે કે થાય તેટલી મજા માણી લો. આ દેહને જ્યારે બાળી નાખવામાં આવે ત્યારે એ પાછો ક્યાંથી આવવાનો છે ? ] [મહાભારતનું કથન છે. આ જગતમાં બે જ પ્રકારનો લોકો સુખી છે. એક તો જે ખરેખર બુદ્ધિમાન છે, જેમની પાસે સાચું જ્ઞાન છે, સાચી સમજ છે. બીજા એવા લોકો કે જેઓ તદ્દન અબુધ છે, જેમની પાસે તલભાર અક્કલ કે સમજ નથી. દુનિયાના બધા દુઃખનો ભાર આ બે વર્ગની વચ્ચે રહેલા લોકોએ ઉપાડવો રહે છે.] [ જે માણસ પાસે વિદ્યા નથી, તપ નથી, દાન નથી, સદાચાર નથી, ગુણ નથી, ધર્મ નથી એનું આ જગતમાં કામ શું છે ? આવા માણસો ધરતી માટે ભારરૂપ છે. ખરી રીતે જોતાં આ લોકો માણસનું રૂપ લઈ હરતા ફરતા પશુ છે.] [ભગવદ્ ગીતાનો ઉપદેશઃ જે લોકો શાશ્વત સુખને છોડી ક્ષણિક સુખની પાછળ દોડે છે તેમના શાશ્વત સુખ નષ્ટ થાય છે અને ક્ષણિક સુખ તો નષ્ટ થવાના જ છે.] [ભગવદ્ ગીતાનું કથનઃ જે કાર્ય કરતા હોઈએ તે કુશળતાપૂર્વક કરવું તે યોગ છે.] [જોબન સંપત ઠાકરી વળી ઉમેરણમાં અવિવેકી જાત [ જો એક દેશ કે રાષ્ટ્ર ખોટું કામ કરે તો તેનો રાજા ખરો ગુનેગાર ગણાય. જો રાજા ખોટું કામ કરે તો તેના સલાહકાર કે મંત્રીઓ ખરા ગુનેગાર છે. સ્ત્રી ખોટું કામ કરે તો તેનો પતિ સાચો અપરાધી છે અને જો શિષ્ય પાપ કરે તો તે પાપ માટેની બધી જવાબદારી તેના ગુરુની છે.] [સાંજ પડ્યે કમળનું પુષ્પ બીડાઈ જતાં રસનો લોભી ભમરો અંદર કેદ થઈ જાય છે અને વિચાર કરે છે કે રાત પૂરી થઈ જશે, સુંદર સવાર પડશે, સૂર્ય ઊગશે, કમળ હસતું હસતું ખીલશે. પણ અરેરે, ત્યાં હાથી આવીને કમળને ઉખાડી ફેંકી દે છે. આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે આપણાં સપનાઓ અને વાસ્તવિકતા તદ્દન જુદા હોય એવું પણ બને છે.] [ખૂબ મહેનત કરીએ તો કદાચ રેતીમાંથી તેલ કાઢી શકાય, શક્ય છે કે તરસ્યો મુસાફર મૃગજળનું પાણી પી શકે, કદાચ ફરતાં ફરતાં કોઈ સસલાને માથે શિંગડાં ઊગેલા જોવા મળે પરંતુ ગમે તે કરવા છતાં મૂરખ માણસને ખુશ ન કરી શકાય.] [સંતાન પ્રથમ પાંચ વર્ષ સુધી લાડકોડનું અધિકારી ગણાય. તેને તેની ભૂલની કોઈ સજા ન હોય. પછીના દશ વર્ષ સુધી તેને નિયમપાલનનું મહત્વ સમજાવવું રહે છે અને તેનું ખોટું વર્તન સજાપાત્ર બને છે. પણ સંતાન જ્યારે સોળ વર્ષનું થાય ત્યારે મા-બાપે તેને મિત્રનો દરજ્જો આપવો જોઈએ.] [લાલચમાં લપટાઈ ગયેલા માણસને પૈસા દેખાય છે પણ સંકટ દેખાતું નથી. બિલાડીને દૂધ દેખાય છે પણ હાથમાં રહેલી લાકડી દેખાતી નથી.] [વજ્રથી વધુ કઠોર અને પુષ્પથી પણ વધુ કોમળ એવા મહાપુરુષોના મનમાં શું હોય તે કોણ સમજી શકે ?] [પવન વનમાં જોરદાર સળગતા અગ્નિનો મિત્ર બને છે. તેને ટેકો આપે છે, મદદ કરે છે. તે જ પવન નાના સળગતા દીવડાને બૂઝાવી નાખે છે. નબળાનું મિત્ર કોણ બને ?] [સિંહને ગમે તેટલી ભૂખ લાગે પણ તે ઘાસ ખાતો નથી. વનમાં રહીને માત્ર હરણનો આહાર કરે છે. સુસંસ્કારી માણસો સંકટકાળમાં પણ પોતાને શોભે નહિ તેવું કામ ન કરે.] [સંન્યાસી રાજાને કહે છેઃ અમે વલ્કલ પહેરીને સંતુષ્ટ છીએ. તું કિંમતી વસ્ત્રો ધારણ કરીને. અમારો સંતોષ તારા જેટલો જ છે. મનની ઇચ્છાઓની વણઝાર જ માણસને ગરીબ બનાવે છે. જેનું મન સંતોષી હોય તેને માટે ગરીબાઈ કે શ્રીમંતાઈ એવા શબ્દોનો કોઈ અર્થ નથી.] [‘રઘુવંશ’નો પ્રથમ શ્લોક. આખું થોથું લખી શકાય તેટલી વાત મહાકવિ કાલિદાસે બે પંક્તિમાં કહી છે. વાણી અને તેના અર્થની જેમ એક બીજાથી અલગ છતાં વાણી અને તેના અર્થની માફક એક બીજામાં ઓતપ્રોત થઈ ગયેલા, હે જગતના પિતૃ પાર્વતી-પરમેશ્વર, તમને વંદન હો. વાણી અને તેના અર્થનું ભિન્ન-અભિન્નપણું સમજાવતો આવો શ્લોક કાલિદાસ જ લખી શકે.] [શ્રીમદ્ ભગવત ગીતાનો સૌથી વધુ સચોટ દાખલો આપતો શ્લોક. જેમ માણસો જૂના થઈ ગયેલા કપડા છોડી દઈ નવા કપડાં પહેરે છે તેમ આત્મા પણ જૂનું શરીર છોડી નવો દેહ ધારણ કરે છે.] [જેમ મહાસર્પથી વીંટળાયેલું ચંદનનું વૃક્ષ ઝેરી બની જતું નથી તેમ ખરો સાધુ સંગદોષ કરે તો પણ વિકૃત બનતો નથી.] [લંકા પર વિજય મેળવવાનો હતો, પગેથી ચાલીને દરિયો પાર કરવાનો હતો, પુલસ્ત્ય ઋષિના પુત્ર રાવણ સાથે લડવાનું હતું, મદદમાં માત્ર વાનરસેના હતી. આમ છતાં એકલા રામ સમગ્ર રાક્ષસકુળનો નાશ કરી શક્યા. કામની સફળતા બહારના સાધનો પર નહિ પણ આપણી અંદરની તાકાત પર આધાર રાખે છે.] [પરદેશમાં આપણું ખરું ધન વિદ્યા બને છે. સંકટકાળમાં સુબુદ્ધિ આપણું ધન બને છે. પરલોકમાં ધર્મ આપણી સંપત્તિ બને છે. સદાચાર સર્વત્ર સંપત્તિરૂપ પુરવાર થાય છે.] [વિદ્યા માણસની સૌથી મોટી સુંદરતા છે. વિદ્યા ખૂબ સલામત એવું અપ્રગટ ધન છે. વિદ્યા સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને સુખ લઈ આવે છે. વિદ્યા ગુરુની ગુરુ છે. પરદેશમાં વિદ્યા સગા ભાઈની જેમ મદદ કરે છે. વિદ્યા પરમ દેવતા છે. રાજાઓ પણ ધનની નહિ વિદ્યાની પૂજા કરે છે. વિદ્યા વિનાનો માણસ સાક્ષાત પશુ સમાન છે.] [દુર્જન માણસ વિદ્યાનો ઉપયોગ વિવાદ કરવા માટે, ધનનો ઉપયોગ અભિમાન કરવા માટે અને શક્તિનો ઉપયોગ બીજાને ત્રાસ આપવા માટે કરે છે. સજ્જનોનું તેથી ઊલટું વર્તન હોય છે. તેઓ વિદ્યા જ્ઞાન માટે, ધન દાન માટે અને શક્તિ રક્ષણ કરવા માટે ઉપયોગમા લે છે.] [વિદ્વતાની અને રાજવીપણાંની સરખામણી ન થઈ શકે. રાજા માત્ર તેના રાજમાં પૂજાય પણ વિદ્વાન માણસ તો જ્યાં જાય ત્યાં પૂજાય.] [ઝેરમાંથી અમૃત મળતું હોય તે લઈ લેવું જોઈએ, એક નાના બાળક પાસેથી પણ જો કોઈ બોધવાક્ય સાંભળવા મળે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ, દુશ્મન પાસેથી પણ સદ્ગુણ ગ્રહણ કરવા મળે તો ગ્રહણ કરી લેવા જોઈએ. સોનું કચરાની વચ્ચે પડ્યું હોય તો પણ તેને તરછોડાય નહિ.] [જમીનનો ભોગવટો બહાદૂર માણસ જ કરી શકે.] [દરિયામાં વરસાદ પડે તે નકામો જાય. જેનું પેટ ભરેલું છે તેને ખવડાવવાનો કોઈ અર્થ નથી. જેની પાસે ધનના ઢગલા હોય તેને દાન આપવાથી શું વળે ? જ્યાં ખૂબ અજવાળું હોય ત્યાં દીવા ન સળગાવાય.] [વીંછીનું ઝેર એની પૂંછડીમાં હોય છે. માખીના મોઢામાં ઝેર હોય છે, સાપના દાંતમાં ઝેર હોય છે પણ દુર્જનના દરેકેદરેક અંગમાં ઝેર ભરેલું હોય છે.] [ચેતવણીઃ નબળું હ્રદય ધરાવતા દાક્તરોએ આ જોખમી પ્રાચીન સુભાષિત વાંચવું નહિ ! હે વૈદરાજ, તને પગે લાગીએ છીએ. તું આમ તો જમરાજાનો ભાઈ છો પણ જમરાજા કરતાં ક્યાંય ચડી જાય તેવો છે. જમરાજા તો માત્ર પ્રાણ લઈને ચાલતા થાય છે પણ તું તો અમારો પ્રાણ અને પૈસા બન્ને લીધા પછી જ અમને છોડે છે !] [કવિતાની સૌથી ટૂંકી ને સૌથી અસરકારક વ્યાખ્યા. રસથી સભર વાક્ય એટલે કાવ્ય.] [ચીજવસ્તુની આપ-લે વડે સમૃદ્ધિ સર્જાય છે.] [જગત આખું વ્યાસના મોંમાંથી બહાર આવ્યું છે. મહાભારત મહાકાવ્ય રચનાર વ્યાસ મુનિની પ્રશંસા માટે આ વાક્ય કહેવામાં આવે છે. તેનો ભાવાર્થ એવો છે કે તત્વજ્ઞાન અને માનવ સંબંધનો એકેય વિષય એવો નથી કે જેની મહાભારતમાં ચર્ચા છણાવટ ન થઈ હોય. આથી હવે જગતમાં કદી ન ઉપસ્થિત કરવામાં આવી હોય તેવી એક પણ વાત રહી નથી.] [બીજાને છેતરનારાને છેતરવો એ જ સાચો ઉપાય છે.] [દર સો માણસે એકાદ શૂરવીર મળી આવે. એક હજાર માણસે એકાદ જાણકાર પંડિત મળે. દશ હજાર માણસોમાંથી એકાદ સારો વક્તા પાકે. પણ દાતા તો ગમે તેટલું શોધો, જવલ્લે જ મળે.] [શાંતિ સમાન કોઈ તપ નથી. સંતોષ સમાન કોઈ સુખ નથી. તૃષ્ણા સમાન કોઈ વ્યાધિ નથી અને દયા સમાન કોઈ ધર્મ નથી.] [સ્વર્ગમાંથી ઉતરેલી પવિત્ર ગંગા શંકર ભગવાનની જટા પર પડે છે. ત્યાંથી હિમાલયના પહાડો પર અને પછી પડતી પડતી સપાટ મેદાનોમાં જઈ છેવટે સમુદ્રમાં વિલીન થઈ જાય છે. આમ ગંગા નદી એક વખત નીચે પડ્યા પછી વધુ ને વધુ નીચે પડતી જાય છે. એવું જ માણસોનું છે. એક વખત સાનભાન ચૂકો પછી તમારું સેંકડો રીતે અધપતન થાય છે.] [સ્વચ્છતા જાળવવામાં કુશળ હોય અને સાથે સાથે માલિકની પ્રેમથી સેવા કરે તેવા નોકર નસીબ હોય તો જ મળે.] [સારા કામમાં કોઈની રાહ ન જોવાય.] [તારો પંથ શુભ બનો.] [દરેક પર્વત પર માણેક ન હોય. દરેક હાથીના કપાળમાં મોતી ન હોય. બધે જ સારા માણસ ન હોય, દરેક જંગલમાં ચંદનના ઝાડ ન હોય. હિતોપદેશનો આ શ્લોક કેટલો સરળ છે !] [દરિયાને માત્ર પાણી ભેગું કરતા આવડે છે બીજાને આપતા આવડતું નથી એટલે તેનું સ્થાન રસાતાળ ગયું છે. જુઓ પાણીનું દાન કરતાં વાદળા ભુવનમાં સર્વોપરી સ્થાને બેસીને કેવી ગર્જના કરે છે !] [સત્ય બોલવું જોઈએ. પ્રિય બોલવું જોઈએ. અપ્રિય હોય તેવું સત્ય બોલવાનું ટાળવું જોઈએ અને અસત્ય પ્રિય લાગે તેવું હોય છતાં કદી ન બોલવું એ સનાતન નિયમ છે.]
[તૈત્તરીય ઉપનિષદમાં નવા વિદ્યાર્થીને ઉપદેશઃ સાચું બોલજે, ધર્મ પ્રમાણે આચરણ કરજે. પોતાના અભ્યાસમાં તલ્લીન રહેજે. ગુરુને દક્ષિણા આપજે અને આ પરંપરાનો લોપ ન થાય તેનું ધ્યાન રાખજે.] [વિજય સત્યનો થાય છે, જુઠનો નહિ. આપણા દેશનો આ મુદ્રાલેખ છે.] [નારદ મુનિનું આ કથન છેઃ સત્ય વચન બોલવું સૌથી સારું છે, પણ સત્ય કરતાં ય વધુ સારું છે સૌના હિતમાં હોય એવું બોલવું. મારા મતે જે વાત અસંખ્ય લોકોનું ભલું કરતી હોય તે સત્ય જ છે.] [જમાઈ નામનો દશમો ગ્રહ કાયમ માટે કન્યા રાશિમાં રહે છે, સદા વાંકો ચાલે છે, કાયમ ક્રૂર સ્વભાવ ધરાવે છે અને હંમેશા પોતાની પૂજા થવી જોઈએ એવી ઇચ્છા ધરાવે છે !] [મનુસ્મૃતિનું માર્ગદર્શનઃ જે ઘરમાં પતિ પોતાની પત્નીથી સંતુષ્ટ હોય અને પત્ની પોતાની પતિથી તે ઘરમાં હંમેશા સુખનું સામ્રાજ્ય રહે છે.] [પાણીથી પૂરો ભરેલો ઘડો અવાજ કરતો નથી. અર્ધો ભરેલા ઘડામાંથી ઘણો અવાજ આવે છે. વિદ્વાન અને કુલીન માણસો ગર્વ કરતા નથી. ગુણ વિનાના માણસો બડબડ કરતા રહે છે.] [સર્પ ક્રૂર છે, દુર્જન પણ ક્રૂર છે. પણ સાપ કરતાં દુર્જન વધુ ક્રૂર લેખાય કેમકે સાપને તો મંત્રોથી વશ કરી શકાય છે. દુર્જનને કોઈ રીતે અંકુશમાં લાવી શકાય નહિ.] [સાપ અને દુર્જન એ બન્નેની તુલના કરીએ તો દુર્જન કરતાં સાપ વધુ સારો ગણાય કેમકે સાપ તો કોઈક વખત કરડે છે પણ દુર્જન ડગલે ને પગલે ડંખ મારતો જ રહે છે.] [જ્યારે સર્વનાશ સામે આવે ત્યારે ડાહ્યો માણસ અડધું છોડી દે છે કેમકે અડધાથી જેમ તેમ કામ ચલાવી લેવાય પણ સર્વનાશ સહન કરવો બહુ ભારે પડે.] [સલાહ કે ઉપદેશથી કોઈનો સ્વભાવ બદલાવી શકાતો નથી. પાણીને ગરમ કરો તેટલી વખત ગરમ રહે પણ જેવો તાપ દૂર થાય કે પાછું હતુ તેવું ને તેવું થઈ જાય.] [રાજા પાસે શાસન ચલાવવા માટે સામ, દામ, ભેદ, દંડ એમ ચાર ઉપાય હોવા જોઈએ અને હાથી, ઘોડા, રથ, અને પાયદળ એમ ચાર પ્રકારની શક્તિ ધરાવતું સૈન્ય હોવું જોઈએ.] [સામર્થ્ય એ સ્વતંત્રતાના મૂળમાં છે. તમારી પાસે તમારી પોતાની તાકાત ન હોય તો તમે સ્વતંત્ર ન રહી શકો. શ્રમ એ સમૃદ્ધિનું મૂળ છે. મહેનત કર્યા વિના ન સમૃદ્ધિ મળે ન ટકે. સુરાજ્યના મૂળમાં ન્યાય છે. ન્યાય વિના સુરાજ્ય ટકી ન શકે. મહાશક્તિના મૂળમાં સંપ અને સંગઠન છે. જ્યાં સંઘ હોય એટલે કે સંપ-સંગઠન હોય ત્યાં જ પ્રચંડ શક્તિ ઉદ્ભવે.] [જે સાહસ કરે તેને લક્ષ્મી મળે.] [ભર્તુહરિ કૃત નીતિશતકના આ લોકપ્રિય શ્લોક અનુસાર જેમને સાહિત્ય, સંગીત, કલા વગેરેમાં રુચિ નથી તેઓ પૂંછડા અને શિંગડા વિનાના પશુ છે. પશુઓનું એ સદ્ભાગ્ય છે કે આવા લોકો ઘાસ ખાધા વિના જીવી શકે છે !] [‘સાક્ષરા’ શબ્દને ઊલટો કરીએ તો તે ‘રાક્ષસા’ બની જાય છે. ‘સરસ’ શબ્દને ઊલટાવીએ તો પણ તે ‘સરસ’ જ રહે. તે કદી પોતાનું સરસપણું ન છોડે.] [ગાઢ અંધકારની અંદર જેમ દીપક શોભે છે તેમ સુખ પણ દુઃખની અનુભૂતિથી વધુ સુંદર લાગે છે. પણ જે લોકો સુખમાંથી ગરીબાઈના નર્કમાં આવી ચડે છે તે ભલે શરીરથી જીવતા રહે પણ મૃતપ્રાયઃ બની જાય છે.] [ગીતામાં ભગવાનનો ઉપદેશ. સુખ દુઃખને સમાન ગણીને, લાભ હાનિ તથા જય પરાજયમાં અવિચલિત રહીને કર્તવ્યના પાલન તરીકે યુદ્ધ કરવામાં જોડાઈ જાઓ. આવું કર્તવ્યપાલન તમને પાપી નહિ બનાવે.] [જીવનમાં જ્યારે સુખ આવે ત્યારે તેને માણી લેવું, દુઃખ આવે ત્યારે તેને પણ વધાવી લેવું. સુખદુખનું ચક્ર સદા ચાલતું જ રહેવાનું છે.] [સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે છે. કોઈને રોજેરોજ સુખ ન મળે કે કોઈને રોજેરોજ દુઃખ ન મળે.] [વિદ્યાપ્રાપ્તિ છોડી સુખની પાછળ ભાગવું કે સુખને છોડી વિદ્યાપ્રાપ્તિ પાછળ પાગલ બનવું બન્ને એકાંગી માર્ગ છે. આ રીતે જેને સુખ જોઈતું હોય તેને કદી વિદ્યા ન મળે અને માત્ર વિદ્યા પાછળ દોડનાર કદી સુખી ન બની શકે.] [વાલ્મિકી રામાયણ અરણ્યકાંડ શ્લોક ૩૭-૨. હે રાજન્ સતત મીઠું મીઠું બોલનારા માણસો સહેલાઈથી મળી આવે છે પણ કડવી છતાં હિતની વાત કરનારા અને સાંભળનારા આ જગતમાં બહુ ઓછા છે.] [મહાભારતમાં કર્ણ આ શ્લોક બોલે છે અને કહે છે કે ભલે હું સામાન્ય રથ હાંકનાર હોઉં કે રથ હાંકનારનો પુત્ર હોઉં કે ગમે તે હોઉં. આ બધી વાત ક્ષુલ્લક છે. ક્યા કુળમાં જન્મ લેવો એ મારા હાથની વાત નથી. મારા હાથની વાત તો મારું સાહસ અને પરાક્રમ છે.] [દાંત, વાળ, નખ અને પુરુષ પોતાનું સ્થાન ગુમાવી દે પછી શોભતા નથી એ વાત ધ્યાનમાં રાખી ડાહ્યા માણસોએ પોતાના સ્થાન પર સ્થિર રહેવું જોઈએ.] [દરિયો ભરીને શાહી લઈ વૃક્ષની ડાળીની કલમ બનાવી ખૂદ શારદા માતા સદાકાળ લખ્યા કરે તો પણ હે ભગવાન તારા ગુણોનો પાર ન આવે.] [શ્રુતિ અલગ અલગ કહે છે, સ્મૃતિઓમાં પણ જુદી જુદી વાત છે. કોઈ એક એવા મુનિ નથી કે માત્ર તેના વચનને જ પ્રમાણ માનીને ચાલી શકાય. ધર્મનું તત્વ ગૂઢ છે - સહેલાઈથી સમજી શકાય તેવું નથી. આથી મોટા માણસો જે રસ્તે ચાલે તે રસ્તો સાચો છે એમ માનીને આપણે પણ તે રસ્તે ચાલવું.] [કાન કુંડળ વડે નહિ પણ જ્ઞાનની વાત સાભળવાથી શોભે છે. હાથ કંકણ વડે નહિ પણ દાન વડે શોભે છે. કાયા પણ ચંદનના લેપ વડે નહિ પણ કરુણામય પરોપકાર વડે કાંતિમાન બને છે.] [ભગવત ગીતાના આ ઉપદેશનું અનેક રીતે અર્થઘટન કરવામાં આવે છે. એ બધી ચર્ચાનો સાર એ છે કે આપણને પોતાને જે ઠીક લાગે, સાચું લાગે તે કરવું અને તેમાં મરણ આવે તો પણ મનને સંતોષ થશે. પણ બીજાના દોરવાયા દોરાતા રહીને પોતાનો અંદરનો અવાજ ન સાંભળવો તે વાત ભયંકર છે. ] [જેમની પાસે સ્વાભિમાનરૂપી સંપત્તિ છે તે માણસો શાશ્વત જીવે છે. જેમની પાસે સ્વાભિમાન નથી તેમની પાસે ધન કે આયુષ્ય હોય તો પણ શું કામનું ? ] [જેમ ભમરો દરેક પુષ્પ પર જઈ તેનું ઉત્તમ તત્વ એકઠું કરે છે તેમ ડાહ્યા માણસે દરેક શાસ્ત્ર વાંચી તેનો સાર મગજમાં ઉતારવો જોઈએ.] [હંસ સફેદ દેખાય છે. બગલો પણ સફેદ દેખાય છે. પરંતુ જ્યારે પાણી અને દૂધ અલગ કરવાની વાત આવે ત્યારે હંસ હંસ જેવો અને બગલો બગલા જેવો સાબિત થઈ જાય છે.] [મહાભારતનો શ્લોક છેઃ હીન એટલે કે અધમ માણસો સાથે રહેવાથી આપણી બુદ્ધિ અધમ થઈ જાય છે. સમાન માણસો સાથે રહેવાથી સમાન રહે છે અને વિશિષ્ઠ એટલે કે ખૂબ પ્રતિભાવાન સાથે રહેવાથી આપણી પ્રતિભા પણ ખિલે છે.] [પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરી વિદ્યા મેળવવી જોઈએ અને પ્રત્યેક કણ બચાવી ધન એકઠું કરવું જોઈએ. ક્ષણ વેડફે વિદ્યા ન મળે, કણ વેડફે ધન ન મળે.] [ઘડીક ખુશ તો ઘડીક નાખુશ. એક ઘડી રાજી તો બીજી મિનિટે અગનગોળો. જેમના મગજનું કંઈ ઠેકાણું ન હોય તેમની મહેરબાની પણ ભારે પડી જાય.] [કાલિદાસે કરેલી સૌંદર્યની વ્યાખ્યાઃ ખરી સુંદરતા તેને કહેવાય જે હરઘડી નવું રૂપ ધારણ કરે.] [ક્ષમા શક્તિશાળી માણસનું સાચું બળ છે. શક્તિશાળી માણસો ક્ષમા વડે શોભે છે. ક્ષમાથી લોકો વશ થઈ જાય છે. ક્ષમાથી શું ન થઈ શકે ?] [જેમની પાસે ક્ષમા નામનું અમોઘ શસ્ત્ર હોય તેનું કોઈ કંઈ બગાડી શકે નહિ. જે ધરતી તણખલા વિનાની એટલે કે ઉજ્જડ અને વેરાન હોય તેની ઉપર આગનો ગોળો પડે તો તે આપમેળે ઠંડો પડી જાય.] [જ્ઞાન બે પ્રકારના હોય છે. એક તો શબ્દો વડે મેળવેલું અને ગોખીને યાદ રાખેલું જ્ઞાન અને બીજું સ્વાનુભવ થવાથી સમજાયેલું જ્ઞાન. હે રાજા, આ બીજા પ્રકારનું જ્ઞાન દુર્લભ છે.]
પ્રથમ વિભાગમાં જવા માટે નીચેની લિન્ક ક્લીક કરોઃ |
| [મુખ્યપૃષ્ઠ] [ટોચ] |