હાલરડું
હાલા રે વાલા મારા ભઈલાને
હાં...હાં...હાં...હાં
ભઈલો મારો ડાહ્યો
પાટલે બેસી નાહ્યો
પાટલો ગયો ખસી
ભઈલો પડ્યો હસી
હાલા રે વાલા મારા ભઈલાને
હાં...હાં...હાં...હાં
ભઈલો મારો લાડકો
જમશે ખીરનો વાટકો
ભઈલો મારો અટારો
ઘીને ખિચડી ચટાડો
હાલા રે વાલા મારા ભઈલાને
હાં...હાં...હાં...હાં
બાલગીતો
મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
*****
આવરે વરસાદ, ઢેબરીઓ પરસાદ
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક
*****
હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
*****
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી
*****
મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
(ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ)
*****
એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો
(ચન્દ્રવદન ચી. મહેતા)
*****
ચકલી બોલે ચીં ચીં, ટીપું પાણી પી પી
કાગડો બોલે કાં કાં, મોટે સાદે ગા ગા
કોયલ બોલે કૂ કૂ, હોલો બોલે ઘૂ ઘૂ
કુકડા કુકડા કૂકડે કૂક, ગાડી ચાલે છૂક છૂક
બકરી બોલે બેં બેં, આલો પાલો લે લે
મીની મીની મ્યાઉં મ્યાઉં, ઓરી આવ દૂધ પાઉં
ઉંદર મામા છૂ છૂ, સામે ઊભો હું છું
*****
ડોસી ડોસી ક્યાં ચાલ્યાં?
’છાણાં વીણવા’
છાણામાંથી શું જડ્યું?
’રૂપિયો’
રૂપિયાનું શું લીધું?
’ગાંઠિયા’
ભાંગે તમારા ટાંટિયા
'ઊભો રે'જે મારા પિટીયા'
*****
એક હતો ઉંદર, કોટ પહેર્યો સુંદર
હાથમાં લીધી સોટી, વાતો કરતો મોટી
જો બનું હું અન્નપ્રધાન
કદી પડે ના અન્નની તાણ
ઉંદરસેના ઘૂમતી જાય
ચોકી પહેરો કરતી જાય
કોઠા રોટલા ચરતી જાય
લોકો સૌ વહેંચી ખાય
બાલ રમતો
એન ઘેન, દીવા ઘેન
ડાહીનો ઘોડો
ખડ ખાતો
પાણી પીતો
રમતો-જમતો, છૂટ્યો છે
હાથમાં લાકડી, કમળ કાકડી
ભાગો ભાગો, ઘોડો ચાલ્યો
દોડો દોડો, ના પકડશો
ડાહીનો ઘોડો
રમતો જમતો, છૂટ્યો છે
*****
ચકી ચોખા ખાંડે છે
પિતામ્બર પગલા પાડે છે
મોર પાણી ભરે છે
ઢેલ પાણી ઢોળે છે
ટીલડીનો ટૂચકો
મારો જોરમાં ભૂસકો
*****
અડકો દડકો
દહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર
*****
તાળી વગાડે છોકરાં
મામા લાવે ટોપરાં
ટોપરાં તો ભાવે નહિ
મામા ખારેક લાવે નહિ
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં કોઈ લાવે નહિ
*****
ચણ ચણ બગલી ચણાની દાળ
ઠેકો માર્યો ઠુમકદાર
શેરીએ શેરીએ ઝાંખા દીવા
આવરે કાગડા કઢી પીવા
મારામાં કાંકરી ખૂંચે છે
મારામાં કાંકરી ખૂંચે છે
ગણ ગણ ગાંઠીયા તેલની પળી
ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી
બળતી હોય તો બળવા દે ને
ઠરતી હોય તો ઠરવા દે
આવરે કાગડા કઢી પીવા
મારામાં કાંકરી ખૂંચે છે
મારામાં કાંકરી ખૂંચે છે
*****
જમાલ ગોટો ધમ ધમ થાય
આડુ અવળું જૂએ એની તુંબડી રંગાય
*****
દાદાનો ડંગોરો લીધો
તેનો મેં તો ઘોડો કીધો.
ઘોડો ચાલે રમઝમ
ધરતી ગજે ધમધમ
મારો ઘોડો કુદતો જાય
કુદતાં કુદતાં આવે કોટ
કોટ કુદીને મૂકે દોટ
*****
અમે ફેરફુદરડી રમતા'તા
અમે ફેરફુદરડી રમતા'તા
ફેરફુદરડી ફરતા ફરતા
પડી જવાની કેવી મજા
ભાઈ, પડી જવાની કેવી મજા
અમે સંતાકુકડી રમતા'તા
અમે સંતાકુકડી રમતા'તા
સંતાકુકડી રમતા રમતા
પકડાઈ જવાની કેવી મજા
ભાઈ, પકડાઈ જવાની કેવી મજા
અમે સાતતાળી રમતા'તા
અમે સાતતાળી રમતા'તા
સાતતાળી રમતા રમતા
દોડી જવાની કેવી મજા
ભાઈ, દોડી જવાની કેવી મજા
*****
ગરબડીયો ગોરાવો
ગરબે ઝારીડા મેલાવો રે
હું ને પનોતી મારે હસમુખભાઈ છે વીરા જો
વીરા ચાલ્યા વધામણે, કંઈ ટીલી કરું લલાટ જો
આછી ટીલી ઝગેમગે મારે ટોડલે ટહૂકે મોર જો
મોરને વધાવ્યા મોતીડે કંઈ ઈંઢોળી મૂકું રડતી રે
રડતી હોય તો રડવા દેજો ને તેલનું ટીપું પડવા દેજો
હું ને પનોતી મારે રમાબેન છે બહેની જો
રમાબહેન ચાલ્યા સાસરે કંઈ ટીલી કરું લલાટ જો
આછી ટીલી ઝગેમગે મારે ટોડલે ટહૂકે મોર જો
મોરને વધાવ્યા મોતીડે કંઈ ઈંઢોળી મૂકું રડતી રે
રડતી હોય તો રડવા દેજો ને તેલનું ટીપું પડવા દેજો
જે તેલ પૂરાવે એને તેલિયો દીકરો આવે ને
જે ઘી પૂરાવે એને ઘીયો દીકરો આવે.
*****
સિંહની પરોણાગત
રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી !
ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણઃ
મારે ઘેર પધારો રાણા, રાખો મારું ક્હેણ.
હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં,ચાખોજી મધ મીઠું,
નોતરું દેવા ખોળું તમને – આજે મુખડું દીઠું !
રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ,
સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ !!
ઘર આ મારું જમો સુખેથી,મધની લૂમેલૂમ
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમે બૂમ !
મધપુડાનું વન હતું એ –નહીં માખીનો પાર,
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !!
આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા,
ખાધો બાપ રે! કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા !
રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !
–રમણલાલ સોની
|