દાદાનો ડંગોરો
દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો
ઘોડો કૂદે ઝમઝમ
ઘૂઘરી વાગે ઘમઘમ
ધરતી ધ્રુજે ધમધમ
ધમધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય
કૂદતાં કૂદતાં આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ
સહુના મનને મોહી રહ્યો, એક ઝવેરી જોઈ રહ્યો
ઝવેરીએ તો હીરો દીધો, હીરો મેં રાજાને દીધો
રાજાએ ઉતાર્યો તાજ, આપ્યું મને આખું રાજ
રાજ મેં રૈયતને દીધું, મોજ કરી ખાધું પીધું
-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
|