ગરબડિયો કોરાવો
ગરબડિયો કોરાવો, ગરબે જાળીડાં મેલાવો રે
હું ને પનોતી મારે અમીબહેન છે બેની જો
બેનબા ચાલ્યા સાસરે, એને ટીલી કરો લલાટ જો
આછી ટીલી ઝગેમગે ને ટોડલે ટહૂકે મોર જો
મોર વધાવ્યા મોતીડે ને ઈંઢોણી મેલું રળતી જો
રળતી હોય તો રળવા દેજો
ને તેલનું ટીપું પડવા દેજો!
ગરબડિયો કોરાવો, ગરબે જાળીડાં મેલાવો રે
હું ને પનોતી મારે બચુભાઈ છે વીરા જો
ભાઈ બેઠા જમવા, ભોજાઈએ ઓઢ્યા ચીર જો
ચીર ઉપર ચુંદડી ને ચોખલિયાળી ભાત જો
ભાતે ભાતે ભડકલાં ને વેલ ધડૂકી જાય જો
વેલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો જાય જો
કાગળમાં બે પૂતળિયું તે હસતી રમતી જાય જો
હસતી હોય તો હસવા દેજો
ને તેલનું ટીપું પડવા દેજો!
વાંકાનેરનો વાણિયો કંઈ શેર કંકુ તોળે જો
શેર કંકુ તોળે ત્યારે અચ્છેર હીંગોળ ઢોળે જો
અચ્છેર હીંગોળ ઢોળીને માનાં ગરબા ગાય જો
ગાતો હોય તો ગાવા દેજો
ને તેલનું ટીપું પડવા દેજો!
જે તેલ પૂરાવે એને તેલિયો દીકરો આવે ને
જે ઘી પૂરાવે એને ઘીયો દીકરો આવે!!
|