[પાછળ]

હરિને ભજતાં

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે.
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;
પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે.
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે.
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

- ગેમલ
 
[પાછળ]     [ટોચ]