[પાછળ]


વાંકે અંબોડે

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરુપ
શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના ભૂપ

પાઘ બાંધે વાલો જરકશી ને સુંદર વાઘા સાર
પટકા છે તે પંચરંગના સજીયા તે સોળે શૃંગાર

કેસરી તિલક સોહામણાં નાસિકા વિશ્વાધાર
ચિબુકની અતિ કાન્તિ છે કંઠે મોતીના હાર

હડપચીએ હીરલો ઝગમગે એના તેજ તણો નહીં પાર
અધર બીંબ એ રસિક છે ઝળકે છે જ્યોત પ્રકાશ

બાંહે બાજુબંધ બેરખા હરિના ખિટકીયાળા કેશ
નીરખ્યાં ને વળી નીરખીશું એનો પાર ન પામે શેષ

ડાબી બાજુએ ગિરિવર ધર્યો જેમણે કટિ મધ્યમ ભાગ
કૃપા કરો શ્રીનાથજી મારાં હૈયાં ટાઢાં થાય

પાયે ઘૂઘરી રણઝણે મોજડીએ મોતીનો હાર
કૃપા કરો શ્રીનાથજી બલિહારી માધવદાસ

માધવદાસ કહે હરિ મારું માંગ્યું આપો મહારાજ
લળી લળીને કરું વિનંતિ મુને દેજો વ્રજમાં વાસ

 

[પાછળ]     [ટોચ]