ઠાલાં દીધાં છે મારા બારણાં
ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું
બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે
ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
-રમેશ પારેખ અને અનિલ જોશીની
સહિયારી રચના
[રચનાનો સમયઃ બુધવાર, તા. ૧૬ ઓગસ્ટ,
૧૯૬૭ના રોજ વહેલી સવારે ૨.૩૦ વાગ્યે]
ક્લીક કરો અને સાંભળો
જેટલી અદ્ભુત કવિતા એટલી જ
તેની અફલાતૂન રજૂઆતઃ
ઓડિયો ક્લીપ સૌજન્યઃ
ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન
અમદાવાદ
|