[પાછળ]

સાંજ ઢળે સરિતાના તટમાં સાંજ ઢળે સરિતાના તટમાં ધીમા પવન ઝકોળે બેઠા બેઠાં ઝાડ પરે કોઈ પંખીડાં રસ ઘોળે જાતાં જાતાં એક નજર મીઠી સૂરજની થાતી પાલવને સંકોરી સરિતા ઘૂંઘટમાં શરમાતી ચાંચ ભૂલી ચકવાની ચકવી ડાળે કરિયું ચુંબન પાન ખર્યું જળમાં ને જળને ગાલે પડિયાં ખંજન વેલ્યુંના ચંદરવા ઓઢી બાંહે બાંહે પરોવે ક્યાં ગ્યાં રૂપ તણાં પ્રતિબિંબો ઝાડ ઝકુંબી જોવે એક ઘૂંટ ભરી એ રંગનાં હોઠ જરા મલકાતાં શ્યામ ગાલ સરિતાના ત્યાં તો રતુંબડા થઈ જાતાં સૂતી માના અંગ પર બાળક ઊઠીને ઘૂઘવતું એમ કિનારા પર સરિતાને ચરણે ઝરણું દડતું દિવસનાં બીધેલ પશુડાં ભય વિણ પાણી પીતાં ટપકંતાં હોઠોથી મોતી મોં કરી ઊંચું જોતાં લળી લળીને તટનાં વૃક્ષો માથેથી ઓવારે સાસરીએ જાતી સરિતાની ફૂલડાં માંગ સવારે છાનું છપનું જોતું લજ્જા! ચંદ્ર ઘડીક તું થોભે રૂપ ભરીને પી લ્યો મૂંગાં મૂંગાં ખોબે ધોબે -કવિ દાદ

[પાછળ]     [ટોચ]