[પાછળ]

દમયંતીનો વિલાપ
વૈદર્ભી  થઈ  ગાભરી  વળી  જુએ   ચોપાસ
અમ અબળાનાં હૃદય નબળાં બીઉં તારે હાસ
જોયું  વન  ફરી  ફરી  સમ દઈ  કીધા  સાદ
પછી રુએ બહુ વિધ કરી  પામી અતિ વિષાદ

વૈદર્ભી  વનમાં   વલવલે   અંધારી  રે  રાત
ભામિની  ભય  પામે  ઘણું  એકલડી રે જાત
વૈદર્ભી  વનમાં   વલવલે   અંધારી  રે  રાત

રસનાએ નામ જ નળતણું  મુખે જપતી જાય
શુદ્ધિ  ન રહી  શરીરની   ભાજે કંટક  પાય
વૈદર્ભી  વનમાં   વલવલે   અંધારી  રે  રાત

રોઈ રોઈ  રાતી  આંખડી,  ભરે આંસું  નીર
નયણે  ધારા  બે બે ઝરે,  વહે  અંગ  રુધિર
વૈદર્ભી  વનમાં   વલવલે   અંધારી  રે  રાત

હીંડતા   તે   આખડે,   પગમાં  વાગે   ઠેસ
ચાલંતી   ઊભી   રહે,   ભરાયે  કાંટે   કેશ
વૈદર્ભી  વનમાં   વલવલે   અંધારી  રે  રાત

અંગે ઉઝરડા પડ્યા ઘણા,  વહે શોણિતધાર
હો નળ, હો નળ બોલતી બીજો નહીં વિચાર 
વૈદર્ભી  વનમાં   વલવલે   અંધારી  રે  રાત
-પ્રેમાનંદ
[પાછળ]     [ટોચ]