અહો! પુષ્પ પુષ્પે પ્રગટ
(ઝૂલણા)
અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!
તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફુરે,
કોમળા અક્ષરોમાં લખેલી;
વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે,
વાદળીપિચ્છમાં આળખેલી.
અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!
પંખીની હારમાં, સરિતની ચાલમાં,
સિન્ધુના ઉછળતા જળતરંગે;
એ જ ગાથા લખી ભવ્ય ગિરિશ્રેણીમાં,
તારકાંકિત નિશાને ઉછંગે.
અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!
તરુણ જનની કુખે, અરુણબાલક મુખે,
સ્મિતપીંછીથી રચી પ્રણયરૂપી;
મૃત્યુની લેખણે, વૃદ્ધ રોગી તણે,
મુખ લખી કારુણી એ અછૂપી.
અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!
ઊલટતા નાશમાં, પલટતી આશમાં
અગનઝાળે ગૂંથી ચીપી ચીપી;
ભૂત ને ભાવિના ભવ્ય ભાવાર્થમાં
ભભકતી અજબઘેરાં અમી પી.
અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!
(ઑગસ્ટ ૧૯૩૨)
-ઉમાશંકર જોશી
ક્લીક કરો અને સાંભળો
ગાર્ગી વોરાની સુંદર રજૂઆતઃ
|