[પાછળ]
મને પિયુ ગમતો ગુલાબ સમો!

મને પિયુ  ન ગમે જૂઈ-જાઈ સમો
મને પિયુ  ગમતો  ગુલાબ  સમો!

મને  કમળ  સુંવાળુ  ના જ  ગમે
મને  કેતક  કંટક  ધાર   ગમે!
સખી, જા જઈ એવું તું માતને કહે
સખી, જા જઈ એવું તું તાતને કહે.

સુણો, માત-તાત, ટેક મુજ એવડો જો
મારે જોઈએ ગુલાબ અને કેવડો જો
સારો સુંવાળો સ્વામી ન મને પરવડે જો
એને સારો સારો કરી સહુ અડે જો

કાંટાવાળો તે કંથ  મારે જોઈએ જો
રૂડો રંગ ને સુવાસ એમાં સોહીએ જો
લેવા જાય તેને ભચ્ચ કાંટા વાગશે જો
માલણ મારા જેવી ચતુર ઝાલશે જો

સુગંધ રંગ સંગ ભોગવું હું એકલી જો
બીજી નાર જોઈ જોઈ તે રહે બળી જો
એવો કંથ તે ગુલાબ કહો કે કેવડો જો
સૂરજવંશે કમળાને કાજે એ ઘડ્યો જો

-ગોવર્ધનરામ મા. ત્રિપાઠી
[પાછળ]     [ટોચ]