[પાછળ]

સુખ નથી આઠે ય બ્રહ્માંડમાં

સુખ---- સમજ્યા, ચંદુભાઈ ! એને ટેવ નડી, ટેવ... ખોતરવાની. એને કાન ખોતરવાની ટેવ. દાંત ખોતરવાની ટેવ. નાક ખોતરવાનું તો બંધાણ... નખ નવી નવાઈના એને જ હોય જાણે, બધું ખોતર ખોતર કાર્ય જ કરે. ઘડી ય જંપ નહીં. ખોતર ખોતર કરવું કાંઈ સારું છે ? અરે, સાલો સાથળ ખોતરે, સાથળ. કેમ જાણે એમાંથી ગગો નીકળવાનો હોય ! આપડને એમ, છો ખોતરે એની જાંઘ ઈ ખોતરે એમાં આપડે સું ? પણ ચંદુભાઈ, આ ખુસાલિયો કાંઈ ખોતરવે ચડ્યો, કાંઈ ખોતરવે ચડ્યો... છેવટે ઈણે એનું મગજ ખોતર્યું મોટામોટા ખાડા કર્યા ઈમાં. ઘરઘરાઉ ખોતરણા કરતો’તો ત્યાં સુધી તો જાણે ઠીક, પણ પછી તો એનો હાથ મૂળો વધે એમ મૂળમાંથી વધવા લાગ્યો... આપડને એમ કે ઈનો હાથ છે તે વધે એમાં આપડે સું ? પણ વધતો વધતો હાથ નીકળ્યો બહાર, કે’છ સેરીમાં કોઈને દીઠો ન મેલે. માણહનાં હાડકાં ખોતરી નાખે, ઊંઘ ખોતરી નાખે, વિચાર – ઈનો હાથ કોલંબસ થઇ ગ્યો ! મૂળે ખુસાલિયાને ગોતવું’તું સુખ, જોવું’તું નજરોનજર. પછી પારકું હોય કે પોતાનું – પણ સુખ. ઈ અડબાઉને એમ કે ચોપડીયું’માં લખ્યું હોય ઈ બધું સાચું જ હોય. સુખનાં ઝાડવાં ફિલમુમાં ઊગે સુખના ફુવારા કવિતામાં ઊડે નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા તે ખુસાલિયાને બસ એમ જ થઇ ગ્યું કે સુખ હોય. દીકરો અહીંયા જ થાપ ખાઈ ગ્યો... એને એમ કે સોમવાર રવિવાર હોય એમ સુખ પણ હોય જ ! ટપુભાઈ ને તરવેણીબેનની જેમ સુખે ય આપડે ત્યાં આવે ... અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું ? આપણે તો જાણીએ, ચંદુભાઈ કે સસલાને સિંગડા હોય તો માણસને સુખ હોય. ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ ચોપડીયું વાંચીએ પણ ખુસાલિયા, સુખો માટે આવી ખોતરપટ્ટી? જે નથી એને માટે આવો રઘવાટ ? અભણ હતો, સાલો. જે વાંચવું જોઈએ ઈ વાંચ્યું નહીં. નવલકથાયું નહીં, ઈતિહાસ. પુછજો એને, ઈતિહાસ વાંચ્યો છે એણે ? એમાં છે ચપટી ય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઈ પાને? આપડા આ ખુસાલિયાનાં હાથ જેને જેને અડે ઈ પદારથ દુઃખ થઇ જાય – એક દિવસ ખુસાલિયો પોતાનાં સપનાંને અડ્યો’તો ! ત્યારથી છે આવી દિમાગને ચાટી જાતી બળતરાઉ ! પણ હાળો, મરસે ! સુખ નથી આઠે ય બ્રહ્માંડમાં. સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર આવી વાત ઈ જાણતો નથી ઈ જ એનું સુખ ! આપડે સું, મરસે, હાળો – આપડને તો એના વધ વધ થતા હાથની દયા આવે, આવે કે નહીં, ચંદુભાઈ ?

-રમેશ પારેખ
[પાછળ]     [ટોચ]