હે આવ વસંત કુમારી
                            હે આવ વસંત કુમારી
હર કૂંપળ હર કલિ કલિ  બસ વાટ જૂએ છે તારી
                            હે આવ વસંત કુમારી
ભર્યો પડ્યો આ જામ રંગ રસ ગંધ થકી મદમાતો
હોઠથી છલકી જાય હરખ ના અંગ મહીંય સમાતો
સ્હેજ નૂપુર ઝણકે તારાં તો   છલકી જાય કિનારી
                            હે આવ વસંત કુમારી
ધરણીએ   તૃણના   ઘૂંઘટને   જરા  હઠાવી  જોયું
આકાશે  વાદળની  લટને   જરા   સમારી   જોયું
કણકણમાં વૃન્દાવન   કેરી   રંગત   હવે   થનારી
                            હે આવ વસંત કુમારી
એ જ  પુરાણી  ધરતી  આજે  યૌવનચીર સજે છે
આજ સુણે  કાન ત્યાં બસ  એક જ વાદ્ય  બજે છે
કામદેવની  સાથ  રતિ   અહીંયાં  રમણે  રમનારી
                             હે આવ વસંત કુમારી
 -મણિલાલ દેસાઈ
ક્લીક કરો અને સાંભળો
મિલન વસાવડાના સ્વરમાં રજૂઆતઃ
   |