
લોકપ્રિય લગ્નગીતો
કે'દુના કાલાંવાલાં
તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા
તમે ન્યુ યોર્ક ને ટોરન્ટો ફરતા'તા
તમે ઝાઝી તે વાતો મેલો મારા વેવાઈ
તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા
તમે બેબીબેનને જોઈ ગયા
મારા નવલા જમાઈ મોહી ગયા
તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા
તમે માવજીભાઈને ભોળવી ગયા
તમે જમનાબેનને ભોળવી ગયા
તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા
મિયામીથી સિયેટલ ફરતા'તા
તમે ફેશનની ફીશિયારી મેલો મારા વેવાઈ
તમે કે'દુના કાલાંવાલાં કરતા'તા
કંકુ છાંટી કંકોતરી મોકલો
કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં લખજો બેબીબેનનાં નામ રે
લગન આવ્યાં ઢૂકડાં
બેનના દાદા આવ્યા ને માતા આવશે
બેનના મોટાબાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂકડાં
બેનના કાકા આવ્યા ને કાકી આવશે
બેનના ફૈબાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂકડાં
બેનના મામા આવ્યા ને મામી આવશે
બેનના માસીબાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂકડાં
બેનના વીરા આવ્યા ને ભાભી આવશે
બેનની બેનીનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂકડાં
બાગમાં છંટાવો કાજુ કેવડો
બાગમાં છંટાવો કાજુ કેવડો
વાડીમાં રોપાવો નાગરવેલ રે
છંટાવો કાજુ કેવડો
મફતલાલભાઈનો કુંવર કાજુ કેવડો
માવજીભાઈ વેવાઈની નમણી નાગરવેલ રે
છંટાવો કાજુ કેવડો
કેવડિયે તે લાગ્યાં ઝાઝાં ફૂલડાં
ફૂલ એટલાં જમાઈરાજનાં મૂલ રે
છંટાવો કાજુ કેવડો
કેવડિયે તે આવ્યાં નવલાં પાંદડાં
પાન એટલાં વહુરાણીનાં માન રે
છંટાવો કાજુ કેવડો
સવિતાબેનનો જન્મેલ કાજુ કેવડો
જમનાબેન વેવાણની નમણી નાગરવેલ રે
છંટાવો કાજુ કેવડો
ગણેશ સ્થાપના
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા
તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા
હરખ્યાં ગોવાળિયાનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા
હરખ્યાં માળીડાનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યા
હરખ્યા પાણિયારીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા
હરખ્યા પાડોશીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યા
હરખ્યા સાજનિયાંનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યા
હરખ્યા માતાજીનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યા
હરખ્યા વરકન્યાનાં મન રે, મારા ગણેશ દુંદાળા
મોટા માંડવડા રોપાવો
મોટા માંડવડા રોપાવો
ઝીણી છાજલીએ છવરાવો માણારાજ
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ
વીરના દાદાને તેડાવો
વીરની માતાને તેડાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હોંશો મોભી પરણાવો માણારાજ
મોટા માંડવડા રોપાવો
ઝીણી છાજલીએ છવરાવો માણારાજ
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ
વીરના વીરાને તેડાવો
વીરની ભાભીને તેડાવો માણારાજ
હોંશે બાંધવ પરણાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હરખે માંડવડો વધાવો માણારાજ
બે નાળિયેરી
વેમ્બલી ગામને ગોંદરે બે નાળિયેરી
ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી
શેઠ શામજીભાઈ સેલાં સાટવે બે નાળિયેરી
ગોરા મારે શાન્તા વહુને કાજ બે નાળિયેરી
ઓઢો શાન્તા વહુ પાતળાં બે નાળિયેરી
હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી
મારા રામજીભાઈ સાડી સાટવે બે નાળિયેરી
ગોરા મારે રમાભાભીને કાજ બે નાળિયેરી
ઓઢો ઓઢો રમાભાભી પાતળાં બે નાળિયેરી
હાલો ચાલોને માંડવડાં વચાળ બે નાળિયેરી
રાયવર વહેલાં આવો
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે..
હું કેમ આવું? મારા દાદાજી રીસાણા રે
તમારા દાદાને પાઘડી પહેરામણી
તમે રાયવર વહેલાં આવો રે
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે..
હું કેમ આવું? મારા પિતાજી રીસાણા રે
તમારા પિતાને ખેસની પહેરામણી
તમે રાયવર વહેલાં આવો રે
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે..
હું કેમ આવું? મારા માતાજી રીસાણા રે
તમારી માતાને સેલા ની પહેરામણી
તમે રાયવર વહેલાં આવો રે
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે..
હું કેમ આવું? મારા બેનીબા રીસાણા રે
તમારી બેની ને સોળે શણગાર
તમે રાયવર વહેલાં આવો રે
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે..
હું કેમ આવું? મારા વિરાજી રીસાણા રે
તમારા વિરાને સુટ ની પહેરામણી
તમે રાયવર વહેલાં આવો રે
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે..
મોર તારી સોનાની ચાંચ
મોર તારી સોનાની ચાંચ
મોર તારી રૂપાની પાંખ
સોનાની ચાંચે રે મોરલો મોતી ચણવા જાય
મોર જાજે ઉગમણે દેશ
મોર જાજે આથમણે દેશ
વળતો જાજે વેવાઈઓને માંડવે હો રાજ
મહેશભાઈ વેવાઈ સૂતા છો કે જાગો
મહેશભાઈ વેવાઈ સૂતા છો કે જાગો
બાબાભાઈ વરરાજે સીમડી ઘેરી માણારાજ
સીમડીએ કંઈ ચમરૂં ઢોળાવો
સીમડીએ કંઈ ચમરૂં ઢોળાવો
ચમરૂંનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ
રામજીભાઈ વેવાઈ સૂતા છો કે જાગો
રામજીભાઈ વેવાઈ સૂતા છો કે જાગો
બાબાભાઈ વરરાજે માંડવો ઘેર્યો માણારાજ
માંડવડે કંઈ કન્યા પધરાવો
માંડવડે કંઈ કન્યા પધરાવો
પરણવાનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ
મોર તારી સોનાની ચાંચ
મોર તારી રૂપાની પાંખ
સોનાની ચાંચે રે મોરલો મોતી ચણવા જાય
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા ભરી સભાના રાજા
એવા બાબાભાઈના દાદા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવી ફૂલડિયાંની વાડી
એવી બાબાભાઈની માડી
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા અતલસના તાકા
એવા બાબાભાઈના કાકા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા લીલુડાં વનના આંબા
એવા બાબાભાઈના મામા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા હાર કેરા હીરા
એવા બાબાભાઈના વીરા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવી ફૂલડિયાંની વેલી
એવી બાબાભાઈની બેની
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
વીરો મારો થાય
ઊંચા ઊંચા બંગલા બંધાવો
એમાં કાચની બારીઓ મેલાવો
કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય
બાબાભાઈ મારે મનડાંના મીઠા
એના દાદાને દરબારમાં દીઠા
કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય
બાબાભાઈ મારે મનડાંના મીઠાં
એના કાકાને કચેરીમાં દીઠા
કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય
બાબાભાઈ મારે મનડાનાં મીઠાં
એના મામાને મહોલાતુંમાં દીઠા
કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય
બાબાભાઈ મારે મનડાંના મીઠાં
એના વીરાને વાડિયુંમાં દીઠા
કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય
માંડવડામાં મંગળિયાં
પહેલું પહેલું મંગળીયું વરતાય રે
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે
સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે
બીજું બીજું મંગળીયું વરતાય રે
બીજે મંગળ રૂપાનાં દાન દેવાય રે
માંડવડાનાં મંગળ ગીતો ગવાય રે
શુભદિન આજે શુકનનો કહેવાય રે
ત્રીજું ત્રીજું મંગળીયું વરતાય રે
ત્રીજે મંગળ સોનાનાં દાન દેવાય રે
ફુલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે
બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે
ચોથું ચોથું મંગળીયું વરતાય રે
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે
માંડવડામાં મંગળ ગીતો ગવાય રે
લાડો લાડી જમે
લાડો લાડી જમે રે કંસાર
લાડીની ભાભી ટળવળે રે
નણદી મુજને આંગલડી ચટાડ
કંસાર કેવો ગળ્યો લાગે રે
ભાભી તું તો પરણી કે બાળકુંવારી
કંસાર ગળ્યો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર
કંસાર ગળ્યો ગળ્યો લાગે રે
પરણ્યા એટલે પ્યારા લાડી
પરણ્યા એટલે પ્યારા લાડી
ચાલો આપણા ઘેર રે
ઊભા રહો તો માંગુ મારા
દાદા પાસે શીખ રે
હવે કેવી શીખ રે લાડી
હવે કેવા બોલ રે
પરણ્યા એટલે પ્યારા લાડી
ચાલો આપણા ઘેર રે
ઢોલીડાં ઢળુક્યા લાડી
ચડી બેસો ગાડે રે
આલા લીલા વાંસની વાંસળી રે
આલા લીલા વાંસની વાંસળી રે
એ તો શેરીએ વાજંતી જાય
દાદાને અતિ વહાલાં બેબીબેન રે
એ તો પરણીને સાસરે જાય
એક દિ રોકાઓ મારી દિકરી રે
તમને કાલે હું આપું વિદાય
હવે કેમ રોકાઉં મારા દાદા રે
મારો સાથ સાસરિયાંનો જાય
આલા લીલા વાંસની વાંસળી રે
એ તો શેરીએ વાજંતી જાય
માતાને અતિ વહાલાં બેબીબેન રે
એ તો પરણીને સાસરે જાય
એક દિ રોકાઓ મારી કુંવરી રે
તમને કાલે હું આપું વિદાય
હવે કેમ રોકાઉં મારી માડી રે
મારો સાથ સાસરિયાંનો જાય
આલા લીલા વાંસની વાંસળી રે
એ તો શેરીએ વાજંતી જાય
આ દશ આ દશ પીપળો
આ દશ આ દશ પીપળો
આ દશ દાદાનાં ખેતર
દાદા માવજીભાઈ વળામણે
દિકરી ડાહ્યાં થઈને રહેજો
હૈયે જડજો સોના સાંકળાં
મનડાં વાળીને રહેજો
સસરાના લાંબા ઘૂંઘટા
સાસુજીને પાહોલે પડજો
જેઠ દેખીને ઝીણાં બોલજો
જેઠાણીના વાદ ન વદજો
નાનો દેરીડો લાડકો
એનાં હસવા ખમજો
નાની નણંદ જાશે સાસરે
એનાં માથાં રે ગૂંથજો
માથાં ગૂંથીને સેંથા પૂરજો
એને સાસરે વળાવજો
અમે રે લીલુડા વનની ચરકલડી
દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો...
એક તે પાન મેં ચૂટિયું
દાદા ન દેશો દોહાઈ રે...
અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો...
દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો...
આજ રે દાદાજીના દેશમાં
કાલ્ય જાશું પરદેશ જો...
દાદાને વહાલા દીકરા
અમને દીધા પરદેશ જો...
દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો...
સંપત હોય તો દેજો દાદા મોરા
હાથ જોડી ઊભા રહેજો...
હાથ જોડી ઊભા રહેજો દાદા મોરા
જીભલડીએ જશ લેજો...
અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો...
લાલ મોટર આવી
લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી
મારા બેની સાસરિયે લીલા લહેર છે
દશરથ જેવા સસરા તમને નહિ દે કાઢવા કચરા
મારા બેની સાસરિયે લીલા લહેર છે
કૌશલ્યા જેવા સાસુ તમને નહિ પડાવે આંસુ
મારા બેની સાસરિયે લીલા લહેર છે
રામચંદ્ર જેવા જેઠ તમને નહિ કરવા દે વેઠ
મારા બેની સાસરિયે લીલા લહેર છે
લક્ષ્મણ જેવા દિયર તમને નહિ જવાદે પિયર
મારા બેની સાસરિયે લીલા લહેર છે
સુભદ્રા જેવી નણદી તમને કામ કરાવશે જલદી
મારા બેની સાસરિયે લીલા લહેર છે
|