[પાછળ]
ઉંબરે ઊભી સાંભળું રે

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું  રે બોલ વ્હાલમના.

ગામને  પાદર  ઘૂઘરાં  વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં  રે  લોલ  વ્હાલમનાં.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાં ડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલાં સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં  કાંટો  વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને  વેલે  વાલોળ પાપડી  વીણશું લોલ,
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
આકાશવાણીના કલાકારોની રજૂઆત
ગીતઃ મણિલાલ દેસાઈ
ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]