| [પાછળ] |
માવજીભાઈ હવે તમારા માટે લાવ્યા છે નવું ગુજરાતી કી-બોર્ડ ! અલબત્ત એ નવું નથી ! ! વાત એમ છે કે કોમ્પ્યુટર પર ગુજરાતી ભાષામાં લખાણ ટાઈપ કરવામાં વપરાતા માઈક્રોસોફ્ટના અત્યારના ઈન-બિલ્ટ કી-બોર્ડમાં અમુક ફેરફાર કરવાની જરૂર છે એવું લાગવાથી માવજીભાઈએ તેના લે-આઉટમાં યોગ્ય સુધારા-વધારા કર્યા છે અને પોતાના ઉપયોગ માટે મજાનું નવું ગુજરાતી કી-બોર્ડ બનાવ્યું છે. વિન્ડોઝ એક્સપી અને વિસ્ટા બન્નેમાં તે વાપરી જોયું છે અને બન્નેમાં તે સરસ ચાલે છે. તમે પણ, ચાહો તો, તેનો ઉપયોગ કરી શકો છો. માવજીભાઈએ પોતાના કી-બોર્ડનું નામ રાખ્યું છે ‘રમેશ’ કી-બોર્ડ કેમ કે માવજીભાઈ રમેશ પારેખની કવિતા પર ફીદા છે ! ઈ કવિતાયું જ એવી લખી ગ્યો છે કે જે લીલો ભમ્મર નાગ થઈ અનરાધાર કરડ્યા કરે ! આમ જુઓ તો માઈક્રોસોફ્ટે પણ એ કી-બોર્ડ ખૂદ બનાવ્યું નથી. એ તો માઈક્રોસોફ્ટનો જન્મ થયો તે પહેલાનું કી-બોર્ડ છે. તેના મૂળ ઘડવૈયા છે- શ્રી મોહન અરવિંદ તાંબે. જ્યારે પી.સી.નું અવતરણ થયું ન હતું અને મોટા તોતિંગ મેઈનફ્રેમ કોમ્પ્યુટર જ અસ્તિત્વ ધરાવતા હતા ત્યારે - સને ૧૯૮૩માં – ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી, કાનપુરમાં પહેલી વખત દેવનાગરી ટર્મિનલ અને તે ટર્મિનલના ઉપયાગ માટે દેવનાગરી કી-બોર્ડ બનાવવામાં આવ્યું. કોમ્પ્યુટર પર ભારતીય ભાષાનો ઉપયોગ કરવાનો આ પહેલો અખતરો હતો અને તે પૂરેપૂરો સફળ થયો. આ પ્રોજેક્ટ ટીમના લીડર હતા પ્રોફેસર આર.એમ.કે. સિંહા અને એસ.કે. મલિક. આ ટીમમાં અન્ય લોકોની સાથે શ્રી મોહન અરવિંદ તાંબે પણ હતા અને તેઓ આ કી-બોર્ડના ખરા ઘડવૈયા હોવાનું માનવામાં આવે છે. મોહનભાઈની ઉંમર તે વખતે હતી ૨૩ વર્ષ ! મોહનભાઈએ ૧૯૮૨માં આઈ.આઈ.ટી. કાનપુરમાંથી એમ. ટેકની ડિગ્રી મેળવી હતી પછી તે જ સંસ્થામાં રિસર્ચ એન્જિનિયર તરીકે જોડાયા હતા. તેમણે ૧૯૮૮ સુધી આઈ.આઈ.ટી. કાનપુરમાં કામ કર્યું, ગિસ્ટ ટેકનોલોજી વિકસાવી અને આ ટેકનોલોજી પોતાની સાથે લઈને CDAC – સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ કોમ્પ્યુટિંગ, પૂણેમાં જોડાયા અને ત્યાં ઘણી સરસ કામગીરી બજાવી. ત્યાં તેમણે ‘ચોઈસ’ ટેકનોલોજી વિકસાવી અને એનો અમલ કરવા માટે તેમણે નોકરી છોડી ૧૯૯૫ની સાલથી બેંગલોર ખાતે પોતાની માલિકીની મેસર્સ ઈન્નોમિડીયા ટેકનોલોજીઝ નામની કંપની શરૂ કરી છે. આ કંપનીમાં હાલ રિલાયન્સ સૌથી વધુ શેરમૂડી ધરાવે છે અને તે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની કંપની બની ગઈ છે. મોહનભાઈ તેના મેનેજિંગ ડાયરેક્ટર છે. હવે કી-બોર્ડની વાત કરીએ. મોહનભાઈનું કી-બોર્ડ શરૂઆતમાં DOE કી-બોર્ડ તરીકે ઓળખાયું કેમ કે તેનું ઘડતર ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા થયેલી પહેલના કારણે થયું હતું. થોડા વખત પછી તેમાં થોડા ફેરફાર કરી ૧૯૮૬ની સાલમાં તેને તમામ ભારતીય ભાષાનું કી-બોર્ડ બનાવી દેવામાં આવ્યું અને તેને ઈનસ્ક્રીપ્ટ કી-બોર્ડનું નામ આપવામાં આવ્યું. તે ઘણું લોકપ્રિય બન્યું અને બે દાયકા પછી માઈક્રોસોફ્ટ કંપનીએ જ્યારે વિન્ડોઝ એક્સપીમાં ભારતીય ભાષાનો ઉપયોગ શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે તેણે આ કી-બોર્ડ બેઠું અપનાવી લીધું. માવજીભાઈને માઈક્રોસોફ્ટનું કી-બોર્ડ ગમ્યું ખરું પણ અનુભવે સમજાયું કે આ કી-બોર્ડમાં હજુ વધારે સુધારા વધારા કરવાની જરૂર છે. માવજીભાઈએ જે સુધારો કર્યો છે તે આ છેઃ- માઈક્રોસોફ્ટના કી-બોર્ડમાં જ્યારે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0 આ કી દબાવીએ છીયે ત્યારે સ્ક્રીન પર અંગ્રેજી આંકડા ટાઈપ થાય છે. ગુજરાતી ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૦ ટાઈપ કરવા હોય તો altgr (ઑલ્ટ ગ્રેટ) એટલે કે જમણા હાથ તરફની ઑલ્ટ કી દબાવી રાખી સાથે સાથે 1, 2, 3, 4 દબાવવા પડે છે. ત્યારે જ ગુજરાતી આંકડા ટાઈપ થઈ શકે છે. રમેશ કી-બોર્ડમાં અંગ્રેજી આંકડાને દેશવટો અપાયો છે અને તેનું સ્થાન ગુજરાતી આંકડાને આપી દેવાયું છે એટલે કે 1, 2, 3 દબાવવાથી સીધા જ ૧, ૨, ૩ બહાર આવે છે. જમણા હાથ તરફની ઑલ્ટ કી દબાવવી રહેતી નથી. આ સિવાય માઈક્રોસોફ્ટ કી-બોર્ડની અત્યારની કોઈ કીમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. હા, વધારા ઘણા બધા કરવામાં આવ્યા છે. માઈક્રોસોફ્ટના અત્યારના ગુજરાતી કી-બોર્ડમાં નીચે પ્રમાણેના ૩૦ કેરેક્ટર છાપવાની જોગવાઈ નથી. આ કેરેક્ટર છાપવા હોય તો ગુજરાતી કી-બોર્ડ છોડી અંગ્રેજી કી-બોર્ડ શરૂ કરવું પડે અને એ કેરેક્ટર છાપ્યા પછી પાછું ગુજરાતી કી-બોર્ડ પર આવી કામ આગળ વધારવું રહે છે. આ તમામ કેરેક્ટર રમેશ કી-બોર્ડમાં સમાવી લેવામાં આવ્યા છે એટલે હવે ઘડી ઘડી ગુજરાતી અને અંગ્રેજી કી-બોર્ડ વચ્ચે ભાગાભાગી કરવી નહિ પડે.
ગમ્યું ? જો ગમ્યું હોય અને તે વાપરવું હોય તો તમને છૂટ છે. આ માટે તમારે ramesh નામની એક ફાઈલ નીચે આપેલી લિન્ક પરથી ડાઉનલોડ કરી તે તમારી હાર્ડ ડિસ્ક પર સેવ કરવી રહેશે. આ ફાઈલ આપમેળે અનઝીપ થતી ઝીપ ફાઈલ છે. >> રમેશ ઝીપ ફાઈલ (સાઈઝ ૪૫૫ કે.બી.) << તે તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થયા પછી તમે તેના પર કર્સર રાખી ડબલ ક્લીક કરશો એટલે તે આપમેળે અનઝીપ થઈ તેમાંથી ramesh નામનું એક ફોલ્ડર બહાર આવશે. તમારે તે ફોલ્ડર ખોલી તેમાંથી setup નામનો પ્રોગ્રામ ચાલુ કરવો રહે છે અને બે મિનિટ ધીરજ રાખી શાંતિથી જોયા કરવું રહે છે. આ ઈન્સ્ટોલર પ્રોગ્રામ તમારી પાસેથી કોઈ સૂચના માંગશે નહિ અને તમારે તેને કોઈ સૂચના આપવી રહેતી નથી. તે પોતાનું કામ આપમેળે પતાવે છે. ઈન્સ્ટોલેશન પૂરું થાય એટલે ઈન્સ્ટોલેશન કમ્પ્લીટ એવી સૂચના સ્ક્રીન પર આવશે. પછી રમેશ કી-બોર્ડને કામ કરતું શરું કરવા માટે તમારે ડેસ્કટોપ સ્ક્રીન પરથી સ્ટાર્ટ - કન્ટ્રોલ પેનલ – રિજિયોનલ એન્ડ લેન્ગ્વેજ ઓપ્શન રસ્તે જઈને પ્રથમ લેન્ગ્વેજીઝ અને તેની અંદર ડિટેઈલ્સમાં જવું રહે છે. ડિટેઈલ્સમાં સેટિંગ્સના સ્ક્રીન પર તમને ´એડ´ બટન દેખાશે જે ક્લીક કરશો એટલે ´એડ ઈનપુટ લેન્ગ્વેજ´નો ડાયલોગ આવશે. તેમાં ઈનપુટ લેન્ગ્વેજ ઈન્ગ્લીશ હોય તો તે બાર ઓપન કરી ગુજરાતી સિલેક્ટ કરશો એટલે તેની નીચેના કીબોર્ડ લેઆઉટ/આઈએમના બારમાં ગુજરાતી અને ગુજરાતી(રમેશ કીબોર્ડ) એમ બે વિકલ્પ આવશે. એક્સપી અને વિસ્ટાના જુદા જુદા વર્ઝનમાં આ બધા ડાયલોગ થોડા થોડા જુદા આવે છે પણ તમને શું કરવું તે સમજાઈ જશે. માત્ર ગુજરાતી એ માઈક્રોસોફ્ટનું ડીફોલ્ટ ગુજરાતી કી-બોર્ડ છે જ્યારે ગુજરાતી(રમેશ કીબોર્ડ) એ તે જ કી-બોર્ડનું સુધારા-વધારા સાથેનું નવું સ્વરૂપ છે. ગુજરાતી(રમેશ કીબોર્ડ) સિલેક્ટ કર્યા પછી ઓકે કરી બહાર નીકળી જશો. જ્યારે પાછું માઈક્રોસોફ્ટનું મૂળ ગુજરાતી કી-બોર્ડ કાર્યરત કરવું હોય ત્યારે આ જ રીતે માત્ર ગુજરાતી કી-બોર્ડ સિલેક્ટ કરી ઓકે કરી બહાર નીકળી જવું. જો કોઈ હરિના લાલ આ નવા રમેશ કી-બોર્ડનો ઉપયોગ કરી પોતાનો અનુભવ માવજીભાઈને ઈ-મેઈલ (mavjibhai@gmail.com) કરી જણાવશે તો માવજીભાઈ રાજીના રેડ થઈ જશે.
|
| [પાછળ] [ટોચ] |