[પાછળ] 

જૈન સંગીત-કથા
ઈલાચીકુમાર


      પોતાના ગીત-સંગીત વડે સમગ્ર જૈન જગતને લગભગ ચાર દાયકા સુધી મંત્રમુગ્ધ કરનારા ખંભાતવાળા શ્રી શાંતિલાલ બી. શાહે તેમના ભાવકોના હૃદયમાં અવિચળ સ્થાન મેળવ્યું હતું અને તેમની વિદાય બાદ આજે પણ જૈન સ્તવન અને કથા-ગીતના ક્ષેત્રે તેમનું નામ અત્યંત આદરપૂર્વક લેવાય છે. જાણે કોઈ દૈવી આશિર્વાદ મળ્યા હોય તેમ તેઓ પોતાના હૃદયસ્પર્શી ગીત-સંગીત વડે શ્રોતાઓને કલાકોના કલાકો સુધી રસતરબોળ રાખી શકતા હતા. તેમનું નામ પડે અને મેદની હકડેઠઠ્ઠ ભેગી થઈ જાય અને બસ સાંભળ્યા જ કરે.

      માત્ર જૈન ધર્મના નહિ પણ રાષ્ટ્રપ્રેમ, સમાજસેવા, સુધારાની ભાવના વગેરેથી પ્રચુર હોય તેવા અન્ય ગીતો તેમજ અનેક દેશનેતાઓના જીવન અને કાર્યને બિરદાવતા ગીતો પણ તેમણે રચ્યા છે અને ગાયા છે. માત્ર ગુજરાતમાં નહિ જગતભરમાં વસેલી ગુજરાતી જનતામાં તેમણે ભારે લોકપ્રિયતા મેળવી હતી. તેમના ગીતોની અનેક ગ્રામોફોન રેકોર્ડ બની હતી. પરંતુ જેવું હેમુ ગઢવીના કિસ્સામાં બન્યું હતું તેવું જ શાંતિલાલ શાહની સાથે થયું છે. એમનો અમૂલ્ય વારસો શોધ્યો મળતો નથી. તેમના થોડાંક જૈન સ્તવનો સિવાય આપણી પાસે આજે ભાગ્યે જ કંઈ બચ્યું છે. જૈનોને તો આજે પણ તેમના વિશે થોડી ઘણી માહિતી છે. પણ જૈન સિવાયની આજની પેઢીએ શાંતિલાલ શાહનું નામ પણ સાંભળ્યું હોવાનો સંભવ નથી.

      શ્રી શાંતિલાલ શાહે રચેલી અને ગાયેલી ઈલાચીકુમારની એક જૈન સંગીત-કથાનું અત્યારે દુર્લભ એવું ઓડિયો રેકોર્ડિંગ અત્રે પ્રસ્તુત છે. આ રેકોર્ડિંગ અમેરિકા નિવાસી એક બિનગુજરાતી સંગીત-સંગ્રાહક સ્વ. અમરજિતસિંહ આનંદ પાસે સચવાયેલું પડ્યું હતું અને તે તેમના સંગીતપ્રેમી મિત્ર શ્રી સુરજિતસિંહ દ્વારા ફરી ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે.

       જે રસિક જનોને ઈલાચીકુમારની સંગીત-કથાનું ઓડિયો રેકોર્ડિંગ સાંભળવાની ઈચ્છા હોય તેમને નીચેની લિન્ક ક્લીક કરીને પોતાના કોમ્પ્યુટર પર સમગ્ર કથાને ડાઉનલોડ કરી સાંભળવા વિનંતી છે. ડાઉનલોડ થતી ફાઈલ ઝીપ ફાઈલ છે જેને કોઈ પણ ઝીપ સોફ્ટવેર વડે ખોલવાથી તેમાંથી એમ.પી.-૩ ફાઈલ બહાર આવશે.

‘ઈલાચીકુમાર’ સંગીત-કથા ડાઉનલોડ
(ઝીપ ફાઈલની સાઈઝ ૫.૮૬ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૨૮ મિનિટ) [પાછળ]      [ટોચ]