[પાછળ]
નવું ગુજરાતી કી-બોર્ડ!

માવજીભાઈ હવે તમારા માટે લાવ્યા છે નવું ગુજરાતી કી-બોર્ડ!

અલબત્ત એ નવું છે અને છતાં નવું નથી! !

વાત એમ છે કે વિન્ડોઝ એક્સપી અને તે પછીની વિન્ડોઝ સિસ્ટમ ધરાવતા બધા કોમ્પ્યુટરમાં ગુજરાતી ભાષામાં લખાણ ટાઈપ કરવા માટે એક ઈન-બિલ્ટ ગુજરાતી કી-બોર્ડ આવે છે. પણ માઈક્રોસોફ્ટના તે ઈન-બિલ્ટ કી-બોર્ડમાં અમુક ફેરફાર કરવાની જરૂર છે એવું લાગવાથી માવજીભાઈએ તેના લે-આઉટમાં યોગ્ય સુધારા-વધારા કર્યા છે અને પોતાના ઉપયોગ માટે મજાનું નવું ગુજરાતી કી-બોર્ડ બનાવ્યું છે. વિન્ડોઝ એક્સપી અને વિસ્ટા તથા વિન્ડોઝ-૭ તમામમાં તે વાપરી જોયું છે અને તમામમાં તે સરસ ચાલે છે. માવજીભાઈએ પોતાના કી-બોર્ડનું નામ રાખ્યું છે ‘રમેશ’ કી-બોર્ડ કેમ કે માવજીભાઈ રમેશ પારેખની કવિતા પર ફીદા છે !

માઈક્રોસોફ્ટનું આ ગુજરાતી કી-બોર્ડ હકીકતમાં માઈક્રોસોફ્ટનો જન્મ થયો તે પહેલાનું કી-બોર્ડ છે. તેના મૂળ ઘડવૈયા છે- શ્રી મોહન અરવિંદ તાંબે. જ્યારે એપલ કે ડોસ બન્નેમાંથી એકે પ્રકારના ડેસ્કટોપ પી.સી.નું આગમન થયું ન હતું અને માત્ર મોટા તોતિંગ mainframe કોમ્પ્યુટર અસ્તિત્વ ધરાવતા હતા ત્યારે સને ૧૯૮૩માં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી, કાનપુરમાં પહેલી વખત દેવનાગરી ટર્મિનલ અને તે ટર્મિનલના ઉપયોગ માટે દેવનાગરી કી-બોર્ડ બનાવવામાં આવ્યું. કોમ્પ્યુટર પર ભારતીય ભાષાનો ઉપયોગ કરવાનો આ પહેલો અખતરો હતો અને તે પૂરેપૂરો સફળ થયો હતો.

આ આઈ.આઈ.ટી.ની કી-બોર્ડ બનાવવાની પ્રોજેક્ટ ટીમના લીડર હતા પ્રોફેસર આર.એમ.કે. સિંહા અને એસ.કે. મલિક. આ ટીમમાં અન્ય લોકોની સાથે શ્રી મોહન અરવિંદ તાંબે પણ હતા અને તેઓ આ કી-બોર્ડના ખરા ઘડવૈયા હોવાનું માનવામાં આવે છે. મોહનભાઈની ઉંમર તે વખતે હતી ૨૩ વર્ષ !

મોહનભાઈએ ૧૯૮૨માં આઈ.આઈ.ટી. કાનપુરમાંથી એમ. ટેકની ડિગ્રી મેળવી હતી પછી તે જ સંસ્થામાં રિસર્ચ એન્જિનિયર તરીકે જોડાયા હતા. તેમણે ૧૯૮૮ સુધી આઈ.આઈ.ટી. કાનપુરમાં કામ કર્યું, ગિસ્ટ ટેકનોલોજી વિકસાવી અને આ ટેકનોલોજી પોતાની સાથે લઈને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ કોમ્પ્યુટિંગ, પૂણે એટલે કે CDACમાં જોડાયા અને ત્યાં ઘણી સરસ કામગીરી બજાવી. ત્યાં તેમણે ‘ચોઈસ’ ટેકનોલોજી વિકસાવી અને એનો અમલ કરવા માટે તેમણે નોકરી છોડી ૧૯૯૫ની સાલથી બેંગલોર ખાતે પોતાની માલિકીની મેસર્સ ઈન્નોમિડીયા ટેકનોલોજીઝ નામની કંપની શરૂ કરી છે. આ કંપનીમાં હાલ રિલાયન્સ સૌથી વધુ શેરમૂડી ધરાવે છે અને તે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની કંપની બની ગઈ છે. મોહનભાઈ તેના મેનેજિંગ ડાયરેક્ટર છે.

હવે કી-બોર્ડની વાત કરીએ. મોહનભાઈનું કી-બોર્ડ શરૂઆતમાં DOE કી-બોર્ડ તરીકે ઓળખાયું કેમ કે તેનું ઘડતર ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ઈલેક્ટ્રોનિક્સ દ્‌વારા થયેલી પહેલના કારણે થયું હતું. થોડા વખત પછી તેમાં થોડા ફેરફાર કરી ૧૯૮૬ની સાલમાં તેને તમામ ભારતીય ભાષાનું કી-બોર્ડ બનાવી દેવામાં આવ્યું અને તેને ઈનસ્ક્રીપ્ટ કી-બોર્ડનું નામ આપવામાં આવ્યું. તે ઘણું લોકપ્રિય બન્યું. બે દાયકા પછી ૨૦૦૩ની સાલમાં માઈક્રોસોફ્ટ કંપનીએ જ્યારે વિન્ડોઝ એક્સપીમાં ભારતીય ભાષાનો ઉપયોગ શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે તેણે આ ઈનસ્ક્રીપ્ટ કી-બોર્ડને પોતાના કી-બોર્ડ તરીકે બેઠું અપનાવી લીધું. માત્ર વિન્ડોઝ નહિ પણ હવે એપલ-મેકીન્ટોશના કમ્પ્યુટર-લેપટોપમાં પણ ગુજરાતી ટાઈપિંગ માટે આ જ કી-બોર્ડનો ઉપયોગ થાય છે.

માવજીભાઈને વિન્ડોઝ એક્સપીનું ગુજરાતી કી-બોર્ડ ગમ્યું ખરું પણ અનુભવે સમજાયું કે આ કી-બોર્ડમાં હજુ વધારે સુધારા વધારા કરવાની જરૂર છે.

માવજીભાઈએ જે સુધારો કર્યો છે તે આ છેઃ-

માઈક્રોસોફ્ટના કી-બોર્ડમાં જ્યારે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0 આ કી દબાવીએ છીયે ત્યારે સ્ક્રીન પર અંગ્રેજી આંકડા ટાઈપ થાય છે. ગુજરાતી ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૦ ટાઈપ કરવા હોય તો altgr (ઑલ્ટ ગ્રેટ) એટલે કે જમણા હાથ તરફની ઑલ્ટ કી દબાવી રાખી સાથે સાથે 1, 2, 3, 4 દબાવવા પડે છે. ત્યારે જ ગુજરાતી આંકડા ટાઈપ થઈ શકે છે.

રમેશ કી-બોર્ડમાં અંગ્રેજી આંકડાને દેશવટો અપાયો છે અને તેનું સ્થાન ગુજરાતી આંકડાને આપી દેવાયું છે એટલે કે 1, 2, 3 દબાવવાથી સીધા જ ૧, ૨, ૩ બહાર આવે છે. જમણા હાથ તરફની ઑલ્ટ કી દબાવવી રહેતી નથી.

આ સિવાય માઈક્રોસોફ્ટ કી-બોર્ડની અત્યારની કોઈ કીમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.

હા, વધારા ઘણા બધા કરવામાં આવ્યા છે.

માઈક્રોસોફ્ટના અત્યારના ગુજરાતી કી-બોર્ડમાં નીચે પ્રમાણેના ૩૦ કેરેક્ટર છાપવાની જોગવાઈ નથી. આ કેરેક્ટર છાપવા હોય તો ગુજરાતી કી-બોર્ડ છોડી અંગ્રેજી કી-બોર્ડ શરૂ કરવું પડે અને એ કેરેક્ટર છાપ્યા પછી પાછું ગુજરાતી કી-બોર્ડ પર આવી કામ આગળ વધારવું રહે છે. આ તમામ કેરેક્ટર રમેશ કી-બોર્ડમાં સમાવી લેવામાં આવ્યા છે એટલે હવે ઘડી ઘડી ગુજરાતી અને અંગ્રેજી કી-બોર્ડ વચ્ચે ભાગાભાગી કરવી નહિ પડે.

રમેશ કી-બોર્ડમાં ઉમેરાયેલા ૩૦ નવા કેરેક્ટર
  કેરેક્ટર કેરેક્ટરનું અંગ્રેજી નામ રમેશ કી-બોર્ડમાં
છાપવાની રીત
? Question Mark shift + /
! Exclamation Mark altgr + 1
@ Commercial At altgr + 2
# Number Sign (Not is equal to) altgr + 3
% Percent Sign altgr + 5
^ Circumflex Accent altgr + 6
& Ampersand altgr + 7
* Asterisk altgr + 8
[ Left Square Bracket alrgr + [
૧૦ ] Right Square Bracket alrgr + ]
૧૧ { Left Curly Bracket altgr + shift + [
૧૨ } Right Curly Bracket altgr + shift + ]
૧૩ \ Reverse Solidus alrgr + \
૧૪ | Vertical Line altgr + shift + \
૧૫ ; Semi Colon alrgr + ;
૧૬ : Colon altgr +shift + ;
૧૭ ' Apostrophe alrgr + '
૧૮ " Quotation Mark altgr + shift + ‘
૧૯ < Less Than Sign alrgr + <
૨૦ > Greater Than Sign altgr + /
૨૧ / Solidus altgr + shift + /
૨૨ Left Single Quotation Mark z
૨૩ Right Single Quotation Mark shift + z
૨૪ En Dash shift + v
૨૫ Em Dash shift + b
૨૬ Horizontal Ellipsis ` (Grave Accent) એટલે કે કી-બોર્ડ પરની ડાબી બાજુની ‘ટેબ’ ની ઉપર આવેલી કી.
૨૭ + Plus Sign altgr + 4
૨૮ × Multiplication Sign altgr + 9
૨૯ ÷ Division Sign altgr + 0
૩૦ = Equal Sign altgr + ` (Grave Accent) એટલે કે કી-બોર્ડ પરની ડાબી બાજુની ‘ટેબ’ ની ઉપર આવેલી કી.

ગમ્યું ?

જો ગમ્યું હોય અને તે વાપરવું હોય તો તમને છૂટ છે.

આ માટે તમારે ramesh.zip નામની એક ફાઈલ મારા ગૂગલ ડ્રાઈવના ફોલ્ડરમાંથી પરથી મેળવી લેવી રહેશે. તે મેળવવા માટે તમારા બ્રાઉઝરમાં નીચેની લાઈન કોપી-પેસ્ટ કરી અને તેના વડે મારી ગૂગલ ડ્રાઈવ પર જઈ તે ડાઉનલોડ કરી લો. આ ફાઈલ સાદી ઝીપ ફાઈલ છે. ડાઉનલોડ કરવાની નિશાની જમણી બાજુએ ટોપ પર દેખાશે.

https://drive.google.com/file/d/0B4agSbAajENUYnZhM0R4N2JtNVk/view?"

તે તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થયા પછી તમે તેને અનઝીપ કરશો એટલે તેમાંથી ramesh નામનું એક ફોલ્ડર બહાર આવશે. તમારે તે ફોલ્ડર ખોલી તેમાંથી setup નામનો પ્રોગ્રામ ચાલુ કરવો રહે છે અને બે મિનિટ ધીરજ રાખી શાંતિથી જોયા કરવું રહે છે. આ ઈન્સ્ટોલર પ્રોગ્રામ તમારી પાસેથી કોઈ સૂચના માંગશે નહિ અને તમારે તેને કોઈ સૂચના આપવી રહેતી નથી. તે પોતાનું કામ આપમેળે પતાવે છે.

ઈન્સ્ટોલેશન પૂરું થાય એટલે ઈન્સ્ટોલેશન કમ્પ્લીટ એવી સૂચના સ્ક્રીન પર આવશે.

પછી રમેશ કી-બોર્ડને કામ કરતું શરું કરવા માટે તમારે ડેસ્કટોપ સ્ક્રીન પરથી સ્ટાર્ટ - કન્ટ્રોલ પેનલ – રિજિયોનલ એન્ડ લેન્ગ્વેજ ઓપ્શન રસ્તે જઈને પ્રથમ લેન્ગ્વેજીઝ અને તેની અંદર ડિટેઈલ્સમાં જવું રહે છે.

ડિટેઈલ્સમાં સેટિંગ્સના સ્ક્રીન પર તમને ´એડ´ બટન દેખાશે જે ક્લીક કરશો એટલે ´એડ ઈનપુટ લેન્ગ્વેજ´નો ડાયલોગ આવશે. તેમાં ઈનપુટ લેન્ગ્વેજ ઈન્ગ્લીશ હોય તો તે બાર ઓપન કરી ગુજરાતી સિલેક્ટ કરશો એટલે તેની નીચેના કી-બોર્ડ લેઆઉટ / આઈએમના બારમાં ગુજરાતી અને ગુજરાતી (રમેશ કી-બોર્ડ) એમ બે વિકલ્પ આવશે. એક્સપી, વિસ્ટા, વિન્ડોઝ-૭ના જુદા જુદા વર્ઝનમાં આ બધા ડાયલોગ થોડા થોડા જુદા આવે છે પણ તમને શું કરવું તે સમજાઈ જશે.

માત્ર ગુજરાતી એ માઈક્રોસોફ્ટનું ડીફોલ્ટ ગુજરાતી કી-બોર્ડ છે જ્યારે ગુજરાતી (રમેશ કી-બોર્ડ) એ તે જ કી-બોર્ડનું સુધારા-વધારા સાથેનું નવું સ્વરૂપ છે.

ગુજરાતી (રમેશ કી-બોર્ડ) સિલેક્ટ કર્યા પછી ઓકે કરી બહાર નીકળી જશો. જ્યારે પાછું માઈક્રોસોફ્ટનું મૂળ ગુજરાતી કી-બોર્ડ કાર્યરત કરવું હોય ત્યારે આ જ રીતે માત્ર ગુજરાતી કી-બોર્ડ સિલેક્ટ કરી ઓકે કરી બહાર નીકળી જવું.

જો કોઈ હરિના લાલ આ નવા રમેશ કી-બોર્ડનો ઉપયોગ કરી પોતાનો અનુભવ માવજીભાઈને ઈ-મેઈલ (mavjibhai@gmail.com) કરી જણાવશે તો માવજીભાઈ રાજીના રેડ થઈ જશે. વિન્ડોઝની માફક એપલ-મેકીન્ટોશના કમ્પ્યુટર-લેપટોપનું ગુજરાતી કી-બોર્ડ પણ સુધારી તેને રમેશ કી-બોર્ડ જેવું બનાવવું શક્ય છે. છે કોઈ જાણકાર જે માવજીભાઈને મદદ કરી શકે?

ખાસ વાત:
આ રીતે માઈક્રોસોફ્ટના કોઈ પણ ભાષાના કી-બોર્ડમાં જેને જે રીતે સુધારા વધારા કરવા હોય તેમને તેમ કરવાની માઈક્રોસોફ્ટ તરફથી છૂટ આપવામાં આવેલી છે એટલું જ નહિ તે માટેનો “માઈક્રોસોફ્ટ કીબોર્ડ લેઆઉટ ક્રીએટર” નામનો સોફ્ટવેર (વર્ઝન ૧.૪, સાઈઝ ૧૦.૧ એમ.બી.) માઈક્રોસોફ્ટની વેબ સાઈટ પરથી વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. સરનામું છે :
http://msdn.microsoft.com/en-us/goglobal/bb964665.aspx


[પાછળ]     [ટોચ]