| 
તારાં જ છે તમામ ફૂલો
તારાં  જ  છે  તમામ,  ન  ફૂલોનાં  પૂછ નામ,  ગમે  તે ઉઠાવ તું
લૂછી લે ભીની આંખ,  ન દરવાજા બંધ રાખ,  ફરી ઘર સજાવ તું
આંસુભર્યા   રૂમાલ  સૂકવવાની   આજકાલ  ઋતુ   છે   શહેરમાં
પંપાળ મા તું  ઘાવ,   ઢળેલી નજર  ઉઠાવ,   નજર ના  ઝુકાવ તું
સપનાંનો  ભગ્ન અંત  નવેસરથી  આ વસંત લખે છે   કૂંપળ  વડે
કૂંપળ છે  તારી મિત્ર ને   દોરે છે  તારું ચિત્ર,  ન ચહેરો છુપાવ તું
અચરજ છે એ જ  એક કે  સર્વત્ર  મ્હેક  મ્હેક  મધુરપનો મોગરો
થોડી ક્ષણોને  ઘૂંટ   કે  આખોય  બાગ લૂંટ   ને  ઉત્સવ મનાવ તું
હોઠે થીજેલ શબ્દ ને લોહીનાં વ્હેણ સ્તબ્ધ શું આ આપણે છીએ?
તારો છે હક કે માંગ, અનાગતની પાસે રાગ ને મહેફિલ જમાવ તું
બેઠો   ર.પા.  ઉદાસ  અને  એની  આસપાસ  તું  ટોળે  વળી ગઈ
ના  ચૂપચાપ તાક,  ને ભીતર  જરાક ઝાંક,  છે  એનો  અભાવ તું
-રમેશ પારેખ |