| વાહુલિયા તમે ધીરા રે ધીરા વાજો
વાહુલિયા  તમે   ધીરા   રે  ધીરા  વાજો
ધીરા રે વાજો ને આજ તમે મીઠાં રે વાજો
વાહુલિયા   તમે   ધીરા   રે  ધીરા વાજો
મેહુલિયા    તમે   ધીરા   રે  ધીરા ગાજો
ધીરા રે વાજો ને આજ તમે મીઠાં રે ગાજો
વાહુલિયા   તમે   ધીરા   રે   ધીરા વાજો
બાળુડાના બાપ  નથી ઘરમાં
આથડતા એ  દૂર દેશાવરમાં
લાડકવાયો લોચે છે નીંદરમાં
વાહુલિયા   તમે   ધીરા   રે  ધીરા વાજો
વીરા તમે  દેશે દેશે  ભટકો
ગોતી એને દેજો મીઠો ઠપકો
લખ્યો નથી  કાગળનો કટકો
વાહુલિયા   તમે   ધીરા   રે  ધીરા વાજો
મેઘલ રાતે  ફૂલ મારું ફરકે
બાપુ બાપુ બૂમ પાડી થડકે
વિજોગણ હુંય  બળું ભડકે
વાહુલિયા   તમે   ધીરા   રે  ધીરા વાજો
સૂતી’તી  ને સ્વામી દીઠા સપને
વા’ણે ચડી આવું છું  કે’તા મને
ચાંદલિયા વધામણી  દૈશ  તને
વાહુલિયા   તમે   ધીરા   રે  ધીરા વાજો
મીઠી  લે’રે  મધદરિયે   જાજો
વ્હાલાજીના શઢની દોરી સા'જો
આકળિયા નવ  રે  જરી થાજો
વાહુલિયા   તમે   ધીરા   રે  ધીરા વાજો
રાતલડીનાં   તેજ   રૂપાવરણાં
ફૂલ્યા એવા શઢ  વાલાજી તણા
ભાળું હું કાગાનીંદરે નાવ ઘણાં
વાહુલિયા   તમે   ધીરા   રે  ધીરા વાજો
બેની મારી  લહેરું  સમુન્દરની
હળવે હાથે હીંચોળો નાવલડી
હીંચોળે જેવી બેટાની માવલડી
વાહુલિયા   તમે   ધીરા   રે  ધીરા વાજો
પાછલી રાતે  આંખ મળેલ હશે
ધીરી રે ધીરી સાંકળ રણઝણશે
બેમાંથી પેલો સાદ  કેને  કરશે?
વાહુલિયા રે  વીર  ધીરા  રે  ધીરા  વાજો
મેહુલિયા  રે  વીર  મીઠાં  રે  મીઠાં ગાજો
ધીરા રે વાજો ને આજ તમે મીઠાં રે ગાજો
વાહુલિયા   તમે   ધીરા   રે   ધીરા વાજો
-ઝવેરચંદ મેઘાણી આ ગીત ચડે કે ગાનાર ચડે એવી મીઠી મૂંઝવણ સાંભળનારને થઈ પડે એવી સરસ મીઠી-મધુરી હલકથી મુરલી મેઘાણીએ આ ખલાસીના બાળનું હાલરડું ગાયું છે. ક્લીક કરો અને સાંભળો– |