[પાછળ]
સાવ અમારી જાત અલગ છે

સાવ અમારી જાત અલગ છે કરવી છે તે વાત અલગ છે
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે

નખશિખ કવચ ધરી શું કરિયેં આડી ઢાલ ધરી શું કરિયેં
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરનાં આઘાત અલગ છે

આખેઆખું  ઝંઝેડી  આ ઝંઝાવાતો  ઘોર  સૂસવતા
એ ય ભલે જાણી લેતાં કે તરણાની તાકાત અલગ છે

શ્વાસે શ્વાસે  સુગંધ  જેવું  હોવાને  ઓગાળી નાખે
એક ઘડી અળગું નવ લાગે સાજનની સોગાત અલગ છે

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે ભાત અલગ છે

-રાજેન્દ્ર શુક્લ
[પાછળ]     [ટોચ]