ભાઈ મારા, સાચકનાં પારખાં હોય!
સાચકનાં પારખાં હોય, ભાઈ મારા, સાચકનાં પારખાં હોય!
જનમજૂઠાંને વાટ વચાળે નહીં રે વતાવતું કોઈ!
ભાઈ મારા, સાચકનાં પારખાં હોય!
પર ઘરે વાસ વસી આવે ભલેને કુળવંતી નારીઓ કોઈ!
તો ય પેલી આકરી અગન કસોટી તો સતી સીતાજીની હોય!
ભાઈ મારા, સાચકનાં પારખાં હોય!
પિત્તળ પાસાને માથે તેજાબનું ટીપું ય ન વેડફે કોઈ!
તીખો તમતમતો તેજાબ તો પેલા હેમને માથે હોય!
ભાઈ મારા, સાચકનાં પારખાં હોય!
ફૂલે ફળે ને ધનધાન્યે સદા યે સોહે ધરાની ખોઈ!
તો યે ઊંડેરાં એનાં પાતાળો ફોડવા થઈ રે સુરંગની સોઈ!
ભાઈ મારા, સાચકનાં પારખાં હોય!
ઉપરથી ઊજળા ને અંતરથી મેલા સ્વાર્થીને ફૂલહાર સ્હોય!
ભોમકાને કાજ જેણે ભેખ લીધો એવા ગાંધીને ગોળીઉં હોય!
ભાઈ મારા, સાચકનાં પારખાં હોય!
-દેવજી રા. મોઢા
|