અનુસ્વાર અષ્ટક
(હરિગીત)
હું બિંદુ સુંદર માત શારદને લલાટે ચંદ્ર શું,
મુજને સદા યોજો સમજથી, ચિત્ત બનશે ઈંદ્ર શું.
મુજ સ્થાન ક્યાં, મુજ શી ગતિ જાણી લિયો રસ પ્રેમથી,
તો સજ્જ બનશો જ્ઞાનથી, સૌંદર્યથી ને ક્ષેમથી.
તો પ્રથમ જાણો હું અને તુંમાં સદા મુજ વાસ છે,
આ જ્ઞાન વિણ હુ-હુ અને તુ-તુ તણો ઉપહાસ છે.
હું કરુ-વાંચુ-લખુ જો જો એમ લખશો લેશ તો,
મા શારદાના રમ્ય વદને લાગતી શી મેશ જો.
નરમાં કદી નહિ, નારીમાં ના એકવચને હું રહું,
હું કિંતુ નારી બહુવચનમાં માનવંતુ પદ ગ્રહું.
‘બા ગયાં’, ‘આવ્યાં બેન મોટાં’ એમ જો ન તમે લખો,
‘બા ગયા’, ‘આવ્યા બેન મોટા’ શો પછી બનશે ડખો.
ને નાન્યતરમાં તો ઘણી સેવક તણી છે હાજરી,
લો, મુજ વિનાના શબ્દની યાદી કરી જોજો જરી.
સૌ મુજ વિશેષણ એક ને બહુવચનમાં રાખો મને,
યાચું કૃપા આ ખાસ, મારો ભરખ ત્યાં ઝાઝો બને.
‘શું ફૂલ પેલું શોભતું’ ! જો આવું પ્રેમે ઉચ્ચરો,
‘શાં ફૂલ પેલાં શોભતાં’ ! બહુવચનમાં વાણી કરો.
મોજું નિહાળો એક નીરે, ત્યાં પછી મોજાં બને,
બમણાં અને તમણાં પછી અણગણ્યાં કોણ કહો ગણે?
ને બંધુ, પીતાં ‘નીર ઠંડું’ ના મને પણ પી જતા,
ને ‘ઝાડ ઉંચાં’ પણ ચડો તો ના મને ગબડાવતા.
બકરા અને બકરાં, ગધેડા ને ગધેડાં એક ના,
ગાડાં અને ગાંડા મહીં જે ભેદ, ભૂલો છેક ના.
ને જ્યાં ન મારો ખપ, મને ત્યાં લઈ જતા ન કૃપા કરી,
નરજાતિ સંગે મૂકતાં, પગ મૂકજો નિત્યે ડરી.
કો મલ્લને એવું કહ્યું જો, ‘ક્યાં ગયાં’તાં આપજી?’
જોજો મળે ના તરત મુક્કાનો મહા સરપાવજી.
તો મિત્ર મારી નમ્ર અરજી આટલી મનમાં ધરો,
લખતાં અને વદતાં મને ના સ્વપ્નમાંયે વિસ્મરો.
હું રમ્ય ગુંજન ગુંજતું નિત જ્ઞાનના પુષ્પે ઠરું,
અજ્ઞાનમાં પણ ડંખું કિંતુ એ કથા નહિ હું કરું.
(દોહરો)
અનુસ્વારનું આ લખ્યું સુંદર અષ્ટક આમ,
પ્રેમ થકી પાકું ભણો, પામો સિદ્ધિ તમામ.
છાપે છાપે છાપજો, પુસ્તક પુસ્તક માંહ્ય,
કંઠ કંઠ કરજો, થશે શારદ માત સહાય.
પાકો આનો પાઠ જો કરવાને મન થાય,
સૂચન એક સમર્પું તો, કમર કસીલો, ભાઈ!
નકલ કરો અષ્ટક તણી એકચિત્ત થઈ ખાસ,
અનુસ્વાર એંશી લખ્યાં પૂરાં, તો બસ પાસ
-સુન્દરમ્
ક્લીક કરો અને વાંચો અનુસ્વારના નિયમોઃ
અનુસ્વાર નિયમો
|