[પાછળ] 
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર!

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર! તત્વનું ટૂંપણું તુચ્છ લાગે
દૂબળાં ઢોરનું કુશકે મન ચળે ચતુરધા મુક્તિ તેઓ ન માગે

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ શુકજીએ સમજી રસ સંતાડ્યો
જ્ઞાન વૈરાગ્ય કથી ગ્રંથ પૂરો કર્યો મુક્તિનો માર્ગ ઊંધો દેખાડ્યો

મારીને મુક્તિ આપી ઘણાં દૈત્યને જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા અવર વિરલા કોઈ ભક્ત ભોગી

પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા  હેતુના જીવ તે હેતુ તૂઠે
જનમોજનમ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે

મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો અવર બીજું કાંઈએ ન ભાવે
નરસૈંયો મુઢમતિ ગાય એમ ગુણપતિ જતિ સતીને તો સપને ન આવે
-નરસિંહ મહેતા
ક્લીક કરો અને સાંભળોઃ


 [પાછળ]     [ટોચ]