[પાછળ]
લેખ વિધિએ લખ્યાં

ઓ પ્રિયે પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદાં  શિર છે  પરંતુ  એક તન  છે આપણું
વર્તુળો  રચવા   લગીની  છે  જુદાઈની  વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં  સ્થાયી  મિલન છે આપણું

ઓ  પ્રિયે કઠપૂતલીઓનો છે તમાશો  જિંદગી
ભવના તખ્તા પર નચાવે છે  વિધિની આંગળી
અંક ચાલે ત્યાં લગીનો  છે  અભિનય આપણો
શૂન્યની   સંદૂકમાં  ખડકાઈ  જાશું  એ   પછી

ડંખ દિલ પર  કાળ કંટકના  સહન કીધા વગર
પ્રેમ  કેરા  પુષ્પને  ચૂમી  શકે   ના  કો’ અધર
કાંસકીને જો  કે  એના  તનના  સો ચીરા થયા
તો  જ પામી  સ્થાન  એ  પ્રિયાની  જુલ્ફ  પર

આ જગતમાં  આવ જા માટે  ફક્ત બે દ્વાર છે
એક  બાજુ  દર્દ   બીજે  મોત  ચોકીદાર  છે
જન્મ લઈ  જેણે  નથી ખાધી  હવા  સંસારની
એ જ છે સાચો  સુખી  બાકી બધાં લાચાર છે

કાલ  મેં   કુંભાર  કેરા  ચોકમાં   દૃષ્ટિ  કરી
ઘાટ ઘડતો ચાક  પર  એ  પિંડ માટીના ધરી
દિવ્ય દૃષ્ટિથી અજબ કૌતુક નજર આવ્યું મને
(મુજ) પૂર્વજોના દેહ પર થાતી હતી કારીગરી

શું  કૂબેરો?  શું  સિકંદર? ગર્વ  સૌનો  તૂટશે
હો ગમે તેવો ખજાનો બે  જ  દિવસમાં ખૂટશે
કાળની  કરડી  નજરથી  કોઈ  બચવાનું નથી
આજ તો  ફૂટી  છે પ્યાલી  કાલ  કૂંજો  ફૂટશે

ધાર કે  સંસારનો  છે  દોર સૌ તુજ  હાથમાં
ધાર  કે  તું વ્યોમને  ભીડી  શકે  છે  બાથમાં
ધાર  કે  સોંપ્યાં  કૂબેરોએ  તને  ભંડાર  પણ
આવશે  કિન્તુ  કશું   ના  આખરે  સંગાથમાં

લેખ વિધિએ લખ્યાં  મારા  મને  પૂછ્યાં વગર
કર્મની  લીલા રચી  રાખી  મને  ખુદ  બેખબર
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં?
હું કયામતમાં હિસાબ આપું ક્યા આધાર પર?
 
જગ નિયંતા  એની સત્તા  જો  મને સોંપે લગાર
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર
એ પછી  દુનિયા  નવી  એવી રચું  કે જે મહીં
સર્વ જીવો મન મુજબ  લૂંટી શકે  જીવન બહાર

-‘શૂન્ય’ પાલનપુરી

વાંચો હરિવંશરાય ‘બચ્ચન’ની મધુશાલાઃ
Bachchan's_Madhushala.pdf

વાંચો Edward FitzGerald કૃત
Rubaiyat ની પહેલી તેમ જ પાંચમી એટલે કે
છેલ્લી આવૃત્તિમાં અપાયેલી તમામ રૂબાઈઃ
The Rubaiyat of Omar Khayyam.pdf
[પાછળ]     [ટોચ]