[પાછળ] |
સામસામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી એક હતો વાણિયો. વીરચંદ એનું નામ. ગામડામાં રહે. હાટડી માંડે ને રળી ખાય. ગામમાં કાઠી અને કોળીઓને વઢવાડ; બાપદાદાનું વેર. એક દિવસ કાઠી કથળ્યા અને કોળી ઉમટ્યા. સામસામી તલવારો ખેંચી બજાર વચ્ચે ઊતરી પડ્યા. કાઠીએ જમૈયો કાઢી કોળી પર ઘા કર્યો. કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યો; એક ઘાએ કાઠીનું ડોકું હેઠું પડ્યું ને તલવાર લોહીલોહાણ. વાણિયો તો મારામારી જોઈ હબકી ગયો. હાટડી બંધ કરીને અંદર પેઠો. અંદરથી બધું જોતો હતો ને ધ્રૂજતો હતો. ખૂન થયું, કાઠીનું ખૂન થયું; દોડો રો દોડો! એવી બૂમ પડી. આમથી તેમથી સિપાઈસપરાં દોડી આવ્યાં; ગામધણી ને મુખી પણ આવ્યા. બધા કહે - આ તો રઘા કોળીનો ઘા. બીજા કોઈની હામ નહિ! પણ કોરટ-કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે? કોઈ કહે - આ વીરચંદ શેઠ હાટડીમાં હતા. એ આપણા સાક્ષી. ભાળ્યું ન ભાળ્યું એ જાણે. હાટડીમાં તો હતા ને? વાણિયાને તો પકડી મંગાવ્યો ને કર્યો હાજર ફોજદાર પાસે. ફોજદારે પૂછ્યું - બોલ વાણિયા! તું શું જાણે છે? વાણિયો કહે - બાપજી! મને તો કશી વાતની ખબર નથી. હું તો હાટડીમાં બેસી નામું લખતો હતો. ફોજદાર કહે - બસ, તારે જુબાની આપવી જ પડશે. કહેવું પડશે કે બધું મેં નજરોનજર ભાળ્યુ છે. વાણિયો મૂંઝાણો. ડોકું હલાવી ઘેર ગયો. રાત પડી પણ ઊંઘ આવે નહિ. આમ કહીશ તો કોળી સાથે વેર થશે ને આમ કહીશ તો કાઠી વાંસે પડશે. છેવટે વાણિયે મનમાંને મનમાં કૈંક વિચાર કરી રાખ્યો. બીજે દિવસે કેસ ચાલ્યો. ન્યાયાધિશ કહે - વાણિયા! બોલ. ખોટું બોલે એને પરભુ પૂછે. બોલ જોઈએ. ખૂન કેમ થયું ને કોણે કર્યું? વાણિયો કહે - સાહેબ!
અહીંથી કાઠી કબકબ્યા ને - પછી ઈનું ઈ. - પણ ઈનું ઈ શું? - સાહેબ! અહીંથી કાઠી કબકબ્યા ને
- પછી? પછી તો સામસામી ખેંચાણી ને ન્યાયાધિશ કહે - ઠીક; હવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ? વાણિયો કહે - અહીંથી કાઠી કબકબ્યા ને |
[પાછળ] [ટોચ] |