[પાછળ] 
સંપ ત્યાં જંપ

એક એક ડોસાને પાંચ દીકરા હતા, પણ દીકરાઓ વચ્ચે પૂરો સંપ નહોતો. જ્યારે ડોસો મરવા પડ્યો, ત્યારે તેણે છોકરાને પાસે બોલાવીને બેસાડ્યા, ને એક પાતળી લાકડીઓની આખી ભારી મંગાવીને અકેક જણને કહ્યું, આ ભારી તમે ભાંગો, પણ આખી ભારી કોઈથી તે ભંગાઈ નહીં, પછી ડોસાએ કહ્યું કે હવે એ ભારી છોડી નાખો, ને અકેક જણ અકેક લાકડી લઈને ભાંગો. એવું કર્યું, એટલે આખી ભારીની બધી લાકડી ઝટ ભાંગી ગઈ.

છોકરા ઘણો અચંબો પામ્યા, ને બાપને એમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે તે બોલ્યો કે, એ બધી લાકડીઓ એકઠી હતી, તેથી તેમાં બળ ઘણું હતું માટે આખી ભારી તમારાથી ભંગાઈ નહીં. પણ અકેક લાકડી જ્યારે જૂદી પડી, ત્યારે તેને બીજી લાકડીઓના બળનો ટેકો જતો રહ્યો. માટે તે ઝટ ભાંગી ગઈ. એ રીતે તમે બધા જો સંપીને એક થઈ રહેશો, તો તમને કોઈ છેડી નહીં શકે, ને તમારા દહાડા સુખમાં જશે; પણ જો એક બીજા સાથે લડીને જૂદા પડશો, તો તમે પણ અકેક લાકડીની પેઠે નબળા થઈ ભાંગી પડશો એટલે હવેથી સંપીને સાથે રહેજો.
 [પાછળ]     [ટોચ]