[પાછળ]
ઠાકોર અને રંગલો

[ઘણે દિવસે ઠાકોર પરદેશથી પાછા ફરે છે. રંગલો નોકર તેમની સામે જાય છે. બંને ભેગા થાય છે. તેથી ખુશ થઈ હળેમળે છે. પછી ઠાકોર રંગલાને ઘરબાર વગેરેના ખબરઅંતર પૂછે છે.]

ઠાકોર : કેમ રંગલા! ઘરના શા ખબર છે?

રંગલો : બધા સારા ખબર છે, ઠાકોર!

ઠાકોર : છે તો સૌ હીમખીમ ને?

રંગલો : (જરા મોળું બોલે છે) હા...….

ઠાકોર : કેમ જરા મોળું ભણે છે? છે તો સૌ હીમખીમ ને?

રંગલો : (અચકાતો બોલે છે) હા; પ….ણ એક જરા…ક કહેવાનું છે.

ઠાકોર : તું તો બધાં હીમખીમ કહે છે, ને વળી કહેવાનું શું છે?

રંગલો : કાંઈ ખાસ નહિ… એ તો આપણો બાજિયો કૂતરો મરી ગયો.

ઠાકોર : અરરર! બાજિયો કૂતરો? મોટો સિંહ જેવો શૂરો! હરણી ઘોડી જેવો ઉતાવળો! હાથી જેવો મસ્ત! અરે—એ મરે જ શેણે?

રંગલો : હા, બાપુ! ઈ મરે એવો તો નો’તો, પણ આપણી હરણી ઘોડીનાં હાડકાં કરડીને મૂઓ?

ઠાકોર : (ચિડાઈને) અરે બેવકૂફ! શું બોલ્યો? આપણી ઘોડીને વળી શું થયું?

રંગલો : ઘોડી બિચારી મરી ગઈ…

ઠાકોર : અરે – તું તો જરાક કે’તો’તો, ને આ બધું ક્યાંથી નીકળ્યું? બોલ તો ખરો! ઈ પંચકલ્યાણી, રેવાળ ચાલની, ફૂંકે ગાઉ દોડનારી મારી વા’લી હરણી શાથી મૂઈ?

રંગલો : એમાં કાંઈ મનમાં ન લગાડવું, ઠાકોર! જેવી ઈશ્વરની મરજી! … આપણી ઘોડી તો ખડ ને ચંદી વિના મરી ગઈ, બાપુ!

ઠાકોર : અરે મૂર્ખા! ખડની ગંજીઓ અને ચંદીનાં કોઠારિયાં ભરી મૂક્યાં હતાં, તે ક્યાં ગયા?

રંગલો : એ બધાં તો આઈમાનાં કારજમાં વપરાઈ ગયાં….

ઠાકોર : અરરર! આ તે શો ગજબ! આઈમા મૂઆં? મારા ઘરનું નાક! સુખનું કારણ ને દુ:ખનો વિસામો! એને તે શું થયું?

રંગલો : આઈમા તો કુંવરને દુ:ખે મૂઆં.

ઠાકોર : એલા ગમાર! કુંવરનું એવડું તે કેવડું દુ:ખ કે સમૂળગાં આઈ મૂઆં?

રંગલો : કુંવરનું દુ:ખ કાંઈ ઓછું કહેવાય? ઠાકોર, આઈમા તો કુંવરની પાછળ ઝૂરી ઝૂરીને ગયાં….

ઠાકોર : હાય હાય! મારો કુળદીપક કુંવર ગયો? કહે તો ખરો – એ શી રીતે મૂઓ?

રંગલો : બાપુ! કુંવર તો ધાવણ વગર મૂઓ…

ઠાકોર : અરે મોકાણિયા! ભસ તો ખરો! શું ઠકરાણાંએ ધવરાવ્યો નહિ તેથી મૂઓ?

રંગલો : બાપુ! ઠકરાણાં હોય ત્યારે ને? એ તો સૌથી પહેલાં મૂઆં…

ઠાકોર : અરરર! ઠકરાણાં શાથી મૂઆં?

રંગલો : કોગળિયું થયું તે મરી ગયાં…

ઠાકોર : આ તો કોઈ ન રહ્યું! ત્યારે હવે ઘર કોણ સંભાળતું હશે?

રંગલો : બાપુ! ઘર સાચવવા જેવું નથી રહ્યું. એ તો એક દિવસ લાલબાઈએ સરખું કરી નાખ્યું છે…

ઠાકોર : અરે પ્રભુ! અરે રામ! ગજબ થયો! મારું તો બધું લૂંટાઈ ગયું. કાંઈ કરતાં કાંઈ ન રહ્યું!

[ઠાકોર પોકેપોકે રડે છે. રંગલો તેને છાના રાખે છે.]

[પાછળ]     [ટોચ]